છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાના એવા ગામ ચીમલીમાં જન્મેલા ગુમાનભાઈ રાઠવા ૧૯૯૦માં બીએસએફમાં ભરતી થયા હતા. ભરતી થયા બાદ ગુજરાત -પાકિસ્તાન બોર્ડર, પંજાબ- પાકિસ્તાન બોર્ડર અને જમ્મુ કાશ્મીરની પહાડીઓમાં ખુબજ સંઘર્ષમય અને બોર્ડર પર ઉપસ્થિત થતા સતત સંઘર્ષનો સામનો કરીને ખુબ લાંબી એટલે કે ૩૧ વર્ષ અને ૧૦ મહિના સુધીની સેવાઓ આપી નિવૃત થતાં છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર બોડેલી ખાતે અનિલભાઈ તલાટી તથા ઉમેશભાઈ રાઠવા સહિતના મિત્રો તેમજ છોટાઉદેપુર સિલ્વર સ્પૂન હોટલ નજીક છોટાઉદેપુર નગરપાલિકાના સદસ્યો સંગ્રામસિંહ રાઠવા, વેલજીભાઈ રાઠવા તથા વાલસિંહભાઈ રાઠવા,કનુભાઈ રાઠવા, લક્ષ્મણ રાઠવા, કાન્તાબેન ભાયાભાઈ રાઠવા, શારદાબેન સંજયભાઈ રાઠવા, ત્રુષાબેન કોલચા સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી ફૌજી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જ્યારે પાનવડ ગામમાં પણ આ વિસ્તારના નિવૃત્ત સૈનિકો તથા સાઢલીના સરપંચ મુકેશભાઈ રાઠવા, મનુભાઈ પાણીબારવાળા, કનુભાઈ રાઠવા સાઢલી,કપુરભાઈ રાઠવા કાવરા સહિત ગામ ચીમલી તથા આસપાસનાં ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.પાનવડ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી, રામદેવ મંદિરના દર્શન કરી પાનવડથી તેમના ગામ ચીમલી જવા રવાના થયા હતા.

પાનવડ ખાતે સ્વાગત કાર્યક્રમમાં ઢોલ -માંદળ વાંસળીઓ અને મોટલા ઢોલ સાથે ભારે નાચગાન સાથે ફૌજી જવાનને વધાવી લીધો હતો. જ્યારે વર્ષ ૧૯૯૯માં કારગીલ યુદ્ધ વખતે પણ ગુમાનભાઈ રાઠવાની બીએસએફ કમાન્ડો તરીકે મહત્વની ભૂમિકા રહી હતી.  તેઓ પણ કારગીલ યુદ્ધના હીરો રહ્યા હતા.ખાસ કરીને ફૌજી ૨૦ કે ૨૨ વર્ષની સેવા બાદ નિવૃત્તિ લઈ લેતા હોય છે પરંતુ ગુમાનભાઈ રાઠવાએ સ્વૈચ્છિક રીતે ૩૧ વર્ષ અને ૧૦ મહિના સુધીની સફર કરી હેમખેમ પરત ફર્યા હતા. જેની ગામ ચીમલી તથા આસપાસનાં ગામોમાં ભારે ખુશી છવાઇ ગઇ છે.એમને આવકારવા માટે છેલ્લા દશ દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી તેમ તેમના મિત્ર વાલસિંહભાઈ રાઠવાએ જણાવ્યું હતું.