નવસારી,તા.૨૯ 

ગુજરાત સરકારે હાલમાં જ કોરોના કાળમાંથી ઉભરવાનો પ્રયાસ કરી રહેલા રીક્ષા ચાલકો માટે બ્લુ રંગનું એપ્રન ડ્રેસ કોડ તરીકે જાહેર કર્યુ છે. જેનો ગુજરાત સહિત નવસારીના રીક્ષા ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ નવસારીના રીક્ષા ચાલકોને મદદરૂપ થવા નવસારી પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી બ્લુ એપ્રન આપવાની તૈયારી કરી રહી છે.

આ સાથે જ રીક્ષાઓને સુરક્ષા નંબર ફાળવી રીક્ષા ચાલક, મુસાફર અને શહેરની સુરક્ષા વધારવાનો પ્રયાસ કરાશે. કોરોના કાળના ચાર મહિના પુરા થવા જઈ રહ્યા છે. જાેકે ૨૪ માર્ચથી શરૂ થયેલા લોકડાઉનને કારણે શહેરના લોકલ ટ્રાન્સપોર્ટ રીક્ષાઓ બંધ રહેવાથી રીક્ષા ચાલકોની સ્થિતિ દયનીય બની હતી.

સરકારે અનલોકમાં રીક્ષાઓને નિયમાનુસાર ચલાવવાની મંજૂરી આપી છે. પરંતુ અનલોકમાં પણ લોકડાઉન જેવી સ્થિતિને કારણે રીક્ષા ચાલકોની આવક પર અસર પડી છે. જેની વચ્ચે ગુજરાત સરકારે રીક્ષા ચાલકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. જેમાં રીક્ષા ચાલકે બ્લુ એપ્રન પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જેનો રાજ્યના રીક્ષા એસોસિએશન સાથે નવસારીના રીક્ષા એસોસિએશને પણ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.