વડોદરા : શહેર-જિલ્લામાં કોરોનાના આક્રમણથી એકાએક કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે જેના પરિણામે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં આજે ૧૦૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા, જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. ડેથ ઓડિટ કમિટીએ આજે કોરોનો મૃત્યુઆંક ૨૧૮ પર યથાવત્‌ રહ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને સાજા થયેલા ૧૨૦ દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૫,૮૬૪ થઈ હતી. અમદાવાદમાં કોરોનાની વિસ્ફોટ સ્થિતિ વચ્ચે આજે વડોદરા શહેરમાં ઉછાળા સાથે કોરોના પોઝિટિવ કેસ ૧૦૩ સામે આવ્યા હતા. સપ્ટેમ્બરના મધ્યથી કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. સત્તાધીશોની આંકડાની માયાજાળમાં કોરોનાનો સાચો આંકડો જણાવવામાં આવતો નથી. નવા કેસોની સાથે કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. વહીવટી સત્તાધીશો દ્વારા આજે કોરોના પોઝિટિવ ૧૦૩ કેસો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૨૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આજના ડિસ્ચાર્જ દર્દીઓઓની સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૫,૮૬૪ થઈ હતી. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિતેલા કલાકોમાં શહેર-જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ૩૬૩૯ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૩૫૩૬ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. ડેથ ઓડિટ કમિટી દ્વારા આજે કોઈ મોત જાહેર ન કરતાં મૃત્યુઆંક ૨૧૮ પર સ્થિર રહ્યો હતો. જ્યારે બિનસત્તાવાર કોરોનાના ૮ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં.  

કોરોના વોરિયર્સ સ્ટાફ બ્રધરનું મોત : ગાર્ડ ઓફ ઓનર અપાયું 

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફના સ્ટાફ બ્રધર દયારામ વસાવા (ઉં.વ.૪૪) કોવિડ કેર સેન્ટરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન તેઓ કોરોના સંક્રમિત બન્યા હતા. તેમને સારવાર માટે હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને શ્વાસ લેવાની તકલીફ શરૂ થઈ હતી. સારવાર અર્થે તેમને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા તે દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવને લઈને સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી.આજે સયાજી હોસ્પિટલના નર્સિંગ એસોસિયેશન દ્વારા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે કોરોના વોરિયર્સ દયારામ વસાવાને સિકયુરિટી ગાર્ડે એસો.ના પ્રમુખ ઈકબાલ કડીવાળા, સેક્રેટરી કમલેશ પરમાર, નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ ઉચ્ચ તબીબી અધિકારીઓની ઉપસ્થિતિમાં સિકયુરિટીએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી.