દિલ્હી-

દર વખતની જેમ આ વખતે પણ રીષભ પંતે દિલ્હી પહોંચતાની સાથે જ બીજા ખેલાડીઓને મદદનું કામ પહેલા કર્યું હતું.  સોનેટ સ્ટેડિયમ ખાતે જઈને જરૂરતમંદ હોય એવા ત્રણ ખેલાડીઓને ક્રિકેટની બેઝિક કીટ તેણે આપી હતી. 

રીષભ પંત થોડો સમયમાં પોતાનો આત્મવિશ્વાસ વધારવામાં સફળ રહ્યો છે, એટલું જ નહીં પણ નિષ્ફળતામાંથી શીખ્યો છે. ચાહકો અને પસંદગીકારોની અપેક્ષાઓ પર કેવી રીતે ખરા ઉતરવું એ હવે પંત શીખી ગયો છે. ભારતીય ટીમને જીત માટે ફિનિશિંગ લાઈન સુધી પહોંચાડવામાં તેને ઘણો આનંદ આવે છે. 

એક ઈન્ટર્વ્યુમાં પંતે કહ્યું હતું કે, શનિવારે તેને લાગ્યું હતું કે, 328નો સ્કોર ચેઝ કરી શકાય એવો હતો. યાદ રહે કે, 2019ના વર્લ્ડકપ સેમીફાઈનલમાં રીષભ પંત આઉટ થઈ ગયો હતો અને તેને આજે પણ એ ઘડી ઘણી ક્ષોભજનક લાગે છે. મને ખબર નહોતી કે મારી જીંદગીમાં ક્યારેક ભારત વતી જીતવાનું નસીબ હશે કે કેમ. ભલે એક ખાસ કેચ હોય કે પછી મેચ-વિનિંગ 20 રનની ઈનિંગ હોય, પણ મેચ જીતવા માટે એ ખૂબ જ નિર્ણાયક પૂરવાર થઈ શકે છે, એમ પંત કહે છે. તે કાયમ આવી પળ તેની જીંદગીમાં આવે તેની રાહ જોતો હતો. 


પંત કહે છે કે, ઓસ્ટ્રેલિયા સામે મેચને હારવાને બદલે જીતવાનો ઓપ્શન જ મને સારો લાગતો હતો. તેથી જ ડ્રો-નો વિકલ્પ પણ મેં વિચાર્યો નહોતો. છેવટે આ ભારત માટે જીતવાની વાત હતી, અને તેની તોલે જીવનનો કોઈ આનંદ હોઈ શકે નહીં એમ તેણે કહ્યું હતું. જ્યારે વોશિંગ્ટન સુંદર સાથે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે, વોશિંગ્ટન એક છેડો સાચવી રાખે અને પંત ફટકાબાજી કરે. 

ક્રિકેટ ચાહકો રીષભમાં ધોનીના ગુણ જૂએ છે અને તેની જગ્યાએ હવે પોતે ફિનિશરનો રોલ કરી શકે એ બાબતે પંત કહે છે કે, હું પહેલેથી જ પોતાની ટીમ જીતે એ માટે રમ્યો છું. મારા પોતાના રન કરવાને બદલે હું હંમેશા એ બાબત મગજમાં રાખું છું કે, ટીમની જીત જરૂરી છે. તેથી જ તેણે શોટ્સ પસંદ કરવામાં ખાસ કાળજી રાખી હતી. લોકડાઉન પહેલાં પંત ખુબ જ ચિંતાગ્રસ્ત હતો અને તેથી લોકડાઉન દરમિયાન તેને માનસિક રીતે મજબૂત થવાનો સમય મળ્યો હતો.


નવા ક્રિકેટરોને પંત સલાહ આપે છે કે, પોતાની ક્રિકેટ માટે વિચારવું ખોટું નથી પણ વધારે પડતા વિચારો કરવાથી માનસિક સંતુલન ખોરવાય છે. તેના બદલે સભાન રહેવું જરૂરી છે. પોતે ખુશ રહીને આસપાસના ખેલાડીઓ માટે પ્રેરણા બનવું જોઈએ એમ તે યુવાન ખેલાડીઓને સલાહ આપે છે.