રાજકોટ, કપાસ અને મગફળીની મબલખ આવક વચ્ચે આ બન્ને ખાદ્યતેલના ભાવમાં સતત ભાવવધારો જાેવા મળે છે. સિંગતેલમાં ચાર દિવસમાં રૂ.૩૦નો વધારો થયો છે. જ્યારે બુધવારે માત્ર રૂ. ૫નો જ ઘટાડો જાેવા મળ્યો હતો અને કપાસિયા તેલમાં ચાર દિવસમાં રૂ.૪૦નો વધારો થયો છે. ભાવવધારા બાદ કપાસિયા તેલનો ભાવ રૂ.૨૦૯૦ નો થયો છે. ડબ્બો રૂ.૨૧૦૦ એ થવામાં માત્ર રૂ. ૨૦નું જ છેટું રહ્યું છે. આ અંગે વેપારીઓના જણાવ્યાનુસાર હાલ યાર્ડમાં કપાસના ભાવ ઊંચકાયા છે.

સતત ભાવ વધતા સંગ્રહખોરો સક્રિય બન્યા છે. બજારમાં ડિમાન્ડ નીકળતા સતત ભાવવધારો થઇ રહ્યો છે. બુધવારે સિંગતેલ લૂઝમાં ભાવ રૂ.૧૨૭૫નો ભાવે સોદા થયા હતા. જેમાં ૨૫-૩૦ ટેન્કરના કામકાજ થયા છે અને કપાસિયા વોશમાં ૧૧૩૫-૧૧૪૦ ના ભાવે ૫-૭ ટેન્કરના કામકાજ થયા છે. તકનો લાભ લઇને હાલ સંગ્રહખોરો સક્રિય બન્યા છે. જેને કારણે બજારમાં માલની કૃત્રિમ તંગી સર્જાય છે અને સામે ડિમાન્ડ નીકળતા લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવા મજબૂર બનવું પડે છે. વ્હાઈટ ગોલ્ડ મનાતા કપાસની કિંમત દિન- પ્રતિદિન વધતી જાય છે. બુધવારે વધુ ભાવ ઊંચકાતા કપાસ ઓલ ટાઈમ હાઈ બન્યો હતો અને એક મણનો ભાવ રૂ.૨૦૦૦ એ પહોંચ્યો હતો. જ્યારે સામે કપાસની આવક ઘટી હતી. એક જ દિવસમાં કપાસની આવક ૮૦ હજાર કિલો ઓછી થઇ હતી. કપાસની આવક ઓછી છે. સામે ડિમાન્ડ વધારે છે. જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું વેપારીઓ જણાવે છે.