દાહોદ, દરરોજ સતત રીતે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણના ભાવ સૌ દાહોદ જિલ્લા વાસીઓને દઝાડી રહ્યા છે દાહોદમાં પેટ્રોલના ભાવ લિટરના ૯૧ રૂપિયા ૫૮ પૈસા થયા છે. જ્યારે ડીઝલના ભાવ ૮૮ અઠ્‌યાસીને પાર નીકળી ગયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો વધવાને કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધતા તેની સીધી અસર તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો પર પડતા આમ આદમીનું જીવનનિર્વાહ કરવું દુષ્કર બન્યું છે અને સામાન્ય માણસની ભોજનની થાળીમાંથી ધીરે-ધીરે તમામ વ્યંજનો ઓછા કરતા જાેવા મળી રહ્યા છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ તથા ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ એકદમ વધી જતા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતાં મોંઘવારી બેકાબુ બની છે. જેથી સામાન્ય માણસને બે ટંકનો રોટલો કાઢવો દુષ્કર બન્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલી હદે વધ્યા છે કે આગામી દિવસો કેવા આવશે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઇંધણના આ ભાવ વધારાની માઠી અસર સૌથી વધુ ખાદ્યાન્ન તેમજ અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુ પર પડી છે. જેના કારણે ગૃહિણીઓનું આખું બજેટ ખોરવાઇ જતા ગૃહિણીઓને ઘર ચલાવવાનું અઘરું થઈ પડ્યું છે સામાન્ય માણસ આખો દિવસ કાળી મજૂરી કરે તો પણ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે તેનો પનો ટૂંકો પડતો હોય છે.