કાશ્મીર-

અમરનાથની યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર હુમલો કરવાની યોજના ઘડી રહેલા આતંકવાદીઓ વિશે સુરક્ષા દળોને ઇનપુટ્સ મળ્યા છે, એમ આર્મીના એક અધિકારીએ જણાવ્યું હતું. જેથી સેના અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. જોકે આ વાર્ષિક યાત્રા નિર્વિઘ્ને ચાલુ રહે એ માટે સેનાએ સિસ્ટમ્સ અને શસ્ત્રસરંજામ ગોઠવાયેલાં છે અને કડક જાપ્તો રાખ્યો છે. જોકે હાઇવે-44 પર હુમલાની શક્યતાને આધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દેશના રક્ષા મંત્રીએ શનિવારના રોજ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. અને સુરક્ષાને લઈને સમીક્ષા કરી હતી.

મળતી માહિતી મુજબ એવા સંકેતો છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને લક્ષ્‍યાંક કરવા માટે હાઇવે-44 પર હુમલો કરે એવી શક્યતા છે, પણ એને સેના ખાળવા માટેના પૂરતા પ્રયાસો કરશે. વળી, અમારી પાસેનાં સિસ્ટમ્સ અને સંસાધનો છે, જેથી અમે તેમના પ્રયત્નોને સફળ નહીં થવા દઈએ, એમ દક્ષિણ કાશ્મીરના બીજા સેક્ટરના બ્રિગ્રેડિયર વિવેક સિંહ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 21 જુલાઈથી શરૂ થવાના ચાર દિવસ પહેલાં સેના દ્વારા જૈશ-એ મોહમ્મદના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ રહી છે અને આ યાત્રા ત્રીજી ઓગસ્ટે સંપન્ન થશે. હાલ આ સમયે દક્ષિણ કાશ્મીરમાં 100 આતંકવાદી સક્રિય છે. 30 પાકિસ્તાની આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. 2019માં પણ આતંકવાદીઓએ અમરનાથ યાત્રા પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.