વલસાડ, તા.૪ 

ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી માર્ગો નું ધોવાણ થઈ જતા માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ને કમરતોડ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ માર્ગને કારણે દુર્દશા વેઠી રહેલ પ્રજા સોસીયલ મીડિયા મારફતે પોતાનો બળાપો જાહેર કરી રહી છે.

માર્ગની ખરાબ હાલત થી દુર્દશા વેઠી રહેલ પ્રજા ની તકલીફ સમજી વિચારી રાજ્ય મંત્રી રમણભાઈ પટકરે વલસાડ ખાતે જિલ્લા ના તમામ ધારાસભ્યો અને માર્ગમકાન વિભાગ ના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રજા ની સમસ્યા નો ઉકેલ લાવવા ચર્ચા કરી હતી.

આજરોજ વલસાડમાં કલેકટરાલયના કોન્ફરન્સ હોલમાં વન અને આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકરે ધારાસભ્યો અને અધિકારીઓની બેઠક બોલાવી હતી.આયોજન હેઠળના કામો, પંચાયત અને સ્‍ટેટ માર્ગ અને મકાન વિભાગ હસ્‍તકના રસ્‍તાઓનું પેચિંગ વર્ક કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું હતું.જિલ્લાના વિવિધ વિકાસના કામોની પ્રગતિ, થનાર કામોમાં ઝડપ થાય અને પ્રજાના પ્રશ્‍નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે મંત્રી પાટકરે અધિકારીઓ સમક્ષ ભાર મૂક્યો હતો. અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા મધુબન ડેમના વિસ્થાપિતોને મળવાપાત્ર લાભો અંગે કમિટી બનાવી સ્થળ તપાસ કરી જરૂરી રિપોર્ટ રજુ કરવા મંત્રીએ જણાવ્‍યું હતું.