વડોદરા : શહેરના જૂના પાદરા રોડ સ્થિત રાજવી ટાવરમાં આવેલી માં કૃપા જ્વેલર્સના માલિકના ગળામાં ચાકુના ઘા ઝીંકીને લાખો રૂપિયાના દાગીનાની લૂંટ કરી ફરાર થયેલા લુંટારાને ગણતરીના કલાકોમાં ડીસીબી પોલીસે ઉત્તરપ્રદેશ સ્થિત તેની સાસરીમાંથી ઝડપી પાડ્યો હતો. ડીસીબીની ટીમ આજે લુંટારાને લઈને અત્રે આવતા તેના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરાઈ છે.

વાસણારોડ પર શ્રુહદપાર્કમાં રહેતા રાજેશકુમાર રમણલાલ સોની જુનાપાદરા રોડ પર રાજવી ટાવર એપાર્ટમેન્ટમાં માં કૃપા જ્વલર્સના નામે સોનાચાંદીના દાગીનાનો વેપાર કરે છે. ગત ૨૪મી તારીખના સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં તે દુકાનમાં એકલા હતા તે સમયે કાળા રંગનુ શર્ટ પહેરી માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધી એક લુંટારો ગ્રાહકમાં સ્વાંગમાં તેમની દુકાનમાં ઘુસ્યો હતો. તેણે પત્ની પાસે અછોડો લેવાનો છે તેમ કહી અડધો કલાક સુધી દાગીના જાેયા હતા. જાેકે રાજેશભાઈને શંકા જતા તેમણે યુવકને બતાવવા માટે કાઢેલા બધા દાગીના ભેગા કરી લોકર રૂમમાં મુકવા માટે જતા જ લુંટારા યુવકે અચાનક તેમની પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેમના ગળાના ભાગે ચારથી પાંચ ઘા ઝીંકી દઈ તે દુકાનમાંથી આશરે ૨૫ લાખથી વધુના દાગીનાની લુંટ કરી ફરાર થયો હતો.

ધોળા દિવસે બનેલી લુંટના બનાવની જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જયારે લુંટારાને શોધવા માટે શહેર પોલીસ બેડામાં દોડધામ મચી હતી. બનાવ સ્થળની આસપાસના સીસીટીવીના કેમેરાના ફુટેજની તપાસ દરમિયાન લુંટારો મોપેડ પર આવી તેમજ લુંટ બાદ તેની મોપેડ પર બેસીને ફરાર થયો હોવાની મહત્વની કડી પોલીસને હાથ લાગી હતી. આ કડીના આધારે ડીસીબી પોલીસે ટેકનીક્લ સોર્સીસની મદદથી આ લુંટમાં ૨૬ વર્ષીય દિપક ગણપતિભાઈ મિશ્રાની સંડોવણી હોવાનું શોધી કાઢ્યું હતું. પ્રાથમિક તપાસમાં દિપક મુળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના હાસિમપુરાનો વતની હોવાની અને તે હાલમાં વડોદરામાં આજવારોડ પર શ્રી હરિ ટાઉનશીપમાં રહેતો હોવાની અને સયાજીપુરા શાકમાર્કેટમાં શાકભાજીનો વેપાર કરતો હોવાની વિગતો મળતા ડીસીબીની ટીમે તપાસનો દોર યુપી તરફ લંબાવ્યો હતો.

ડીસીબીની એક ટીમ બે દિવસ અગાઉ યુપી રવાના થઈ હતી જયાં ટીમને માહિતી મળી હતી કે દિપક હાલમાં તેની સાસરી દેલહુપુર ખાતે સંતાયો છે. પોલીસને જાેતા દિપક ફરાર થઈ જાય અથવા તો ગ્રામજનો તેને ભગાડી મુકે તેવી બીક હોઈ ડીસીબીની ટીમે સ્થાનિક રહેવાશીઓની જેમ વેશપલ્ટો કર્યો હતો અને સરકારી ગાડીની નંબરપ્લેટ પણ બદલી નાખી આશરે બાર કલાક સુધી ગામમાં ફરીને રેકી કરી હતી. દિવસ દરમિયાન દરોડામાં દિપક ફરાર થવાની સંભાવના વધુ હોઈ ડીસીબીની ટીમે વહેલી સવારે દિપકને ઝડપવા માટે તેની સાસરીમાં છાપો માર્યો હતો. જાેકે આ સમયે પણ દિપકે ઘરની પાછળ ખેતરોમાં ભાગ્યો હતો પરંતું ડીસીબીની ટીમે આશરે ૩૦૦ મીટર સુધી પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેને અત્રે લઈ આવી હતી.

લૂૂંટ બાદ ઘરે જવાના બદલે દિવસભર વાઘોડિયા રોડ પર રખડ્યો

દિપકે જણાવ્યું હતું કે તે લુંટ કર્યા બાદ દાગીના લઈને ઘરે જવાના બદલે દિવસભર તેના ઘરની આસપાસ રખડ્યો હતો અને તેના ઘરે પોલીસથી આવી નથી તેની ખાત્રી કર્યા બાદ તે રાત્રે સાડા નવ વાગે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને રાજસ્થાનથી ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. ઉત્તરપ્રદેશના અલાહાબાદ નજીક દેલહુપુર ગામમાં તેનું ઘર અને સાસરી આવેલી છે પરંતું તે પોલીસની બીકના કારણે સાસરીમાં રહેવા ગયો હતો.

લૂંટ માટે દીપકે સતત ૨૨ દિવસ સુધી માં કૃપા જ્વેલર્સમાં રેકી કરી

સયાજીપુરા ખાતે શાકભાજીનો વેપાર કરતા દિપકે લુંટ કરતા અગાઉ સતત ૨૨ દિવસ સુધી રેકી કરી હતી અને દુકાનદાર રાજેશ સોની ક્યારે આવે છે, જાય છે અને દુકાનમાં કયા સમયે ગ્રાહકો નથી હોતા તે તમામ વિગતો જાણ્યા બાદ તેણે લુંટની યોજના બનાવી હતી. લુંટ દરમિયાન તેણે દુકાનદારની હત્યા કરીના દાગીના લુટી લેવા માટે ૬૦ રૂપિયાનું નવુ ચાકુ પણ ખરીદ્યું હતું.

કેટલા રૂપિયાની લૂંટ થઈ તેનું રહસ્ય હજુ પણ અકબંધ

માં કૃપા જ્વેલસમાં લુંટના ચાર દિવસ બાદ પણ દુકાનમાંથી કેટલા રૂપિયાની મત્તાની લુંટ થઈ તેનો આંક હજુ સુધી પોલીસને મળી શક્યો નથી. બીજીતરફ લુંટ કરીને દાગીના લઈને ફરાર થયેલો આરોપી દિપક પોલીસના હાથે ઝડપાયો છે પરંતું તેની પાસેથી હાલમાં કોઈ દાગીના મળ્યા નથી તેમજ દિપકના રિમાન્ડ બાદ હવે દાગીના કબજે કરવા માટે પોલીસને ફરી દિપકના વતનમાં જવુ પડશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.