સુરત-

સુરત શહેર જાણે કે ક્રાઇમ કેપિટલ ઑફ ગુજરાત બની રહ્યું હોય તેવી ઘટનાઓ દિનપ્રતિદિન ઘટી રહી છે. શહેરમાં હત્યા, લૂંટ જાણે કે સામાન્ય ઘટના થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે. કાયદો અને વ્યવસ્થા પર પોલીસનું નિયંત્રણ નથી તેના લીધે રોજ રોજ પચરંગી ગુનાઓ સામે આવી રહ્યા છે. દરમિયાનમાં ગઈકાલે સુરતમાં કેમિકલના વેપારીને ચાકુના ઘા મારી અને ધોળેદિવસે ૧૯ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. મોટર સાયકલ પર પૈસાનો થેલો લઈને જઈ રહેલા કેમિકલના વેપારીને રસ્તામાં લુખ્ખાએ આંતરી અને તેને ચાકુના ઘા ઝીંકી થેલો ઝૂંટવી લીધો હતો.

આ ઘટનાનો લાઇવ સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે બે શખ્સોને ઓળખી કાઢ્યા છે અને તેની અટકાયત કરી છે. બનાવની વિગત એવી છે કે રામપુરા રાજાવાડી ખાતે સુપ્રિમ ઓઈલના નામે ઓઈલનો ભાગીદારીમાં વેપાર કરતા અસલમભાઈના વર્ષો જુના બે કર્મચારી હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ આજે સાંજે 5.30 વાગ્યે ઓફિસથી બાઈક ઉપર રોકડા રૂ19 લાખ એક થેલામાં લઈ એક પાર્ટીને પેમેન્ટ આપવા તેમજ બહારગામના વેપારીઓને પેમેન્ટ ચૂકવવા આંગડીયા પેઢીમાં જમા કરાવવા નીકળ્યા હતા. ત્યારે રામપુરા ચાર રસ્તા પાસે લોકોની ભારે અવરજવર વચ્ચે એક બાઈક ઉપર માસ્ક પહેરીને આવેલા અજાણ્યાએ બાઈક ચલાવી રહેલા હમીદને જાંઘના ભાગે ચપ્પુ મારતા તે અને પાછળ બેસેલો અમીન બાઈક સાથે નીચે પટકાયા હતા.

હમીદ રસ્તા ઉપર કણસતો હતો ત્યારે માસ્ક્ધારી ચપ્પુ લઈ તેનાથી બચવા હવાતીયા મારતા અમીન પાસે આવ્યો હતો અને તેને ચપ્પુ બતાવી લોકોની નજર સામે જ રોકડા રૂ૧૯ લાખ ભરેલો થેલો ઝૂંટવી બાઈક ઉપર મહિધરપુરા ભવાનીવડ તરફ ભાગી છૂટ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ લૂંટના સૂત્રધાર લુખ્ખા તત્વો છે. જાેકે, તેમને વેપારીના પૈસા આવવા અને જવાનો સમય ખબર હોવાની શંકા છે. પેઢીના સીસીટીવી વીડિયોમાં પણ શકમંદ નજરે પડ્યો છે જે બહારના સમયે ખૂબ લાંબો સમય સુધી શંકાસ્પદ અવસ્થામાં જાેવા મળ્યો છે. દરમિયાનમાં પોલીસે આ મામલે બે શકમંદોની અટકાયત કરી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારી આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપે તેવી શક્યતા છે.