વડોદરા : વડોદરામાં છેલ્લા બે અઠવાડિયાથી વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં થનારી પ્રતિકુળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર એકશનમાં આવ્યું છે અને આજે વડોદરામાં કોવિડ મેનેજમેન્ટ માટે નિમાયેલા ખાસ અધિકારી ડો.વિનોદ રાવે શહેરની હોસ્પિટલો માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું જે મુજબ શહેરની તમામ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને કોવિડનો ચેપ ના લાગે તે માટે આગામી ૨૨મી માર્ચથી ૧૦ એપ્રિલ સુધી અપવાદના કિસ્સા સિવાય તમામ પ્રકારની સર્જરી પર રોક લગાવવાનો આદેશ કર્યો છે.

ડો.વિનોદ રાવે આજે મોડી સાંજે પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં હોસ્પિટલોમાં તમામ પ્રકારની વૈકલ્પિક સર્જરી ૨૨ માર્ચ થી ૧૦ એપ્રીલ સુધી મુલતવી રાખવામાં આવશે. અનિવાર્ય સંજાેગોમાં સર્જરી કરી શકાશે. કોવિડ ટ્રીટમેન્ટ માટે જાેડાયેલી હોસ્પિટલોએ વધુ દર્દીઓને સમાવી શકાય તેવી કેપેસીટી વધારવી પડશે. તમામ હોસ્પિટલોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, જરૂરી હોય તેવા કિસ્સાઓમાં દર્દીઓ ઘરે રહીને સારવાર આપવામાં આવે. ઘરે રહીને સારવાર લઈ શકે તેવા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર નથી અને તેઓ ઘરે રહીને ખાનગી હોસ્પિટલો અથવા તો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાંથી સુચના મુજબ જરૂરી તબીબી સેવાઓ મેળવી શકશે.

જે હોસ્પિટલો કોવિડ હેલ્થ સેન્ટર અથવાતો ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાેડાયેલી નથી, તેઓ ૨૫ માર્ચ સુધીમાં જરૂરી પ્રક્રિયા પુર્ણ કરે. જાે કોઇ પણ પ્રકારે આ જાહેરનામાનો કોઈ પણ હોસ્પિટલ ભંગ કરશે તો તેમની સામે એપેડમી એક્ટ હેઠળ શિક્ષાપાત્ર કાર્યવાહી કરવામાં આવશે.

એકાએક નિર્ણય લેવાતાં ખાનગી તબીબોનો અંદરખાને વિરોધ

ડો.વિનોદ રાવે આજે મોડી સાંજે જાહેર કરેલા નોટિફિકેશનનો શહેરના મોટાભાગના ખાનગી હોસ્પિટલોના તબીબોમાં અંદરખાને વિરોધ ફેલાયો છે. અત્યાર સુધી રાજકિય કાર્યક્રમો અને તાયફા કરીને હજારોની મેદની ભેગી કરી રાજકારણીઓએ કોરોના ફેલાવ્યો છે અને હવે તેઓની સામે કાર્યવાહીના બદલે ખાનગી હોસ્પિટલનો દર્દીઓ માટે જાહેરનામું પાડ્યુ છે. મોટાભાગના ડોક્ટરાના મતે ખાનગી હોસ્પિટલમાં બિનકોરોના દર્દીને કોરોના ના થાય તેની સરકારી આદેશ મુજબ તમામ કાળજી લેવાઈ જ રહી છે અને જે દર્દીની સર્જરીની તાત્કાલિક જરૂર હોય તે જ દર્દીઓ દાખલ કરાય છે તો હવે જાહેરનામા મુજબ કેવી રીતે નક્કી કરાશે કે કયાં દર્દીને રજા આપી ઘરે મોકલી દેવા અને ૧૦મી એપ્રિલ પછી ફરી દાખલ કરવા ?