ગાંધીનગર : ગુજરાતમાં આગામી મહિનાઓમાં મહાનગર પાલિકા, નગર પાલિકા અને પંચાયતની ચૂંટણી સ્થગિત કરવાની માંગને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. 

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે નવરાત્રી પર રોક લગાવી છે, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ મુલતવી રાખવી જોઈએ. આવા સમયે ચૂંટણી આયોજિત કરવાથી મોટા શહેરોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાશે.

કોરોના સંક્રમણ ફેલાવાના ભયના પગલે ખૂબ જ ઓછા લોકો મતદાન કરે તેવી સંભાવના છે. જો આવું થયું તો, ચૂંટણીનું કોઈ મહત્વ નહીં રહે. આથી ચૂંટણી પંચે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આયોજન પર પુનર્વિચાર કરવો જોઈએ. આ અરજી પણ આગામી દિવસોમાં સુનાવણી થાય તેવી શક્યતા છે.ધારાસભ્યએ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોરોનાન ૧.૩૦ જેટલા કેસ છે. હવે જો આવા સંજોગોમાં ચૂંટણી યોજાશે, તો સ્થિતિ વધારે વણસી શકે છે.

ચૂંટણીના કારણે રેલીઓ અને સભાઓનું આયોજન થશે. જેમાં લોકોના સામેલ થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાશે. આટલું જ નહીં, આચાર સંહિતાના કારણે વિકાસ કાર્યો ઉપર પણ રોક લાગશે.

દિવાળીના અરસામાં સ્થાનિક ચૂંટણીઓની પણ સંભાવના

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીનની અરજી પ્રમાણે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓક્ટોબર, નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં થવાની સંભાવના છે. જેમાં રાજ્યની ૬ મહાનગર પાલિકાઓ જેમાં- અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં ચૂંટણીનું આયોજન છે. આ મ્યૂન્સિપલ કોર્પોરેશનમાં કુલ ૬૪૨ કોર્પોરેટરો છે.આ સિવાય ૪૪૮૮ સભ્યો ધરાવતી ૪૨ નગર પાલિકાઓ, બનાસકાંઠા અને ખેડા સિવાય રાજ્યની તમામ જિલ્લા પંચાયતોના ૧૧૦૦ સભ્યો અને કુલ ૪૩૯૭ સભ્યો ધરાવતી તાલુકા પંચાયતોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ ચૂંટણીને લગતાં પરિપત્ર સહિત સીમાંકન પણ બહાર પાડવામાં આવી ચૂક્યું છે.