નવી દિલ્હી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની પહેલી ક્વૉલિફાયર મેચ ગઇકાલે રમાઇ ગઇ, મુંબઇ અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીને 57 રનોથી હરાવીને રોહિતની મુંબઇએ ફરી એકવાર દમદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પરંતુ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ એક ખરાબ રેકોર્ડ સાથે પુરી થઇ. રોહિત અશ્વિનના એક બૉલને રમવા જતા શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો હતો, જેના કારણે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.

મુંબઇ ઇન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્મા દિલ્હી વિરુદ્ધ શૂન્ય પર આઉટ થયા બાદ આઇપીએલમાં સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. રોહિતે આઇપીએલમાં સર્વાધિક 13 વાર શૂન્ય પર આઉટ થવાનો હરભજન સિંહ અને પાર્થિવ પટેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 

મેચની બીજી ઓવરમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે આર અશ્વિનને બૉલિંગ સોંપી, અશ્વિને પોતાના ત્રીજા બૉલ પર રોહિત શર્માને આઉટ કર્યો, અશ્વિન પહેલા જોફ્રા આર્ચર અને ઉમેશ યાદવ રોહિતને પહેલા જ બૉલ પર આઉટ કરવાનુ કારનામુ કરી ચૂક્યા છે. 

નોંધનીય છે કે આઈપીએલ 2020ના ક્વોલિફાયર-1 મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને જીત માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 143 રન જ બનાવી શકી, અને મેચમાં મુંબઇએ 57 રનથી જીત મેળવી લીધી. આ સાથે જ મુંબઇ ફાઇનલમાં પ્રવેશી હતી.