વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ શાસકો અને અધિકારીઓ દ્વારા સ્માર્ટ સિટીના નામે દલા તરવાડી જેવો વહીવટ કરીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે. આ બાબતે રાજ્યના લાંચ રુશ્વત બ્યુરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે લાંબા સમયથી શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહલ પ્રોજેક્ટમાં કરોડોના થયેલા ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરવાને માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ સિંધા દ્વારા એસીબીમાં અરજી કરવામાં આવી છે. જેમાં તેઓએ સ્માર્ટ સિટીના નામે પ્રોજેક્ટ ઉભો કરવાને માટે સ્ટેશન વિસ્તારના અનેકની રોજગારી છીનવીને ઝીરો રિઝર્વ પ્રાઈઝ રાખીને કંગાળ પાલિકાએ માંત્ર રૂ.૩૯ કરોડમાં રૂ.૧૫૦ કરોડની કિંમતની મનાતી મોકાની જમીનની જગ્યા રૂપિયા એક કરોડ ત્રીસ લાખના એક એવા ત્રીસ વાર્ષિક હપ્તે પધરાવી દીધી હતી.જેને લઈને પાલિકાને રૂ.૧૧૦ કરોડનું નુકશાન થવા પામ્યું છે.આ ઉપરાંત મામૂલી રકમના હપ્તા કરી આપીને આ જમીન મફતમાં પધરાવી દઈને ઉપરથી પ્રોજેક્ટ ઉભો કરવાને માટે જે તે બિલ્ડરને આર્થિક સરળતા કરી આપવામાં આવ્યાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે.  

આ અરજીમાં જણાવ્યા અનુસાર વડોદરા સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ લિમિટેડના રેલવે સ્ટેશન સામે આવેલા જનમહલ પ્રોજેક્ટની આશરે દોઢ લાખ સ્કવેર ફૂટ જેટલી જમીનની હરાજી બાબતની જાહેરાત જૂન ૨૦૧૭માં કરવામાં આવી હતી. જે અંગે ટેન્ડર નોટિસ અપાઈ હતી. જેના ભાગરૂપે સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો દ્વારા ગત તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ઠરાવ પસાર કર્યો હતો. જેમાં આ જમીન માત્ર રૂપિયા ૩૯ કરોડમાં આપી દેવાને માટે ઠરાવ્યું હતું. જે બાબત પ્રકાશમાં આવતા આરટીઆઈ થકી માહિતી માગવામાં આવી હતી.જેમાં એવી હકીકત ખુલવા પામી હતી કે જનમહલ પ્રોજેક્ટવાળી જમીનની જંત્રીની કિંમત રૂ.૫૬૦૦ પ્રતિ ચોરસ ફૂટ ગણવામાં આવી છે. જયારે બજાર ભાવ પ્રમાણે એનાથી બમણી કિંમત ગણવામાં આવે છે. એ ધ્યાનમાં લેવામાં આવે તો આ દોઢ લાખ સ્કવેર ફિટ જમીનની કિંમત અંદાજે રૂ.દોઢસો કરોડ જેટલી થવા જતી હતી. પરંતુ આ બધી હકીકત જાણતા હોવા છતાં જે તે સમયના શાસકો દ્વારા એને માત્ર રૂ.૩૯ કરોડમાં પધરાવી દેવાઈ હતી. જયારે વડોદરા પાલિકાની આર્થિક પરિસ્થિતિ છેલ્લા બે વર્ષથી ઝીરો છે. એવા સમયે વડોદરા પાલિકા દ્વારા રૂ.૧૧૦ કરોડની ખોટ આ હરાજી થકી કરવામાં આવી હતી. જે બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આરટીઆઈ અંતર્ગત ૨૬/૦૬/૨૦૧૮ના રોજ અપાયેલ જવાબમાં અન્ય ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી હતી. જેમાં જનમહલ માટે જે જમીન રૂ.૩૯ કરોડમાં આપવામાં આવી હતી. એમાં પણ ૩૦ વર્ષના હપ્તા કરી આપવામાં આવ્યા હતા. એટલેકે દોઢસો કરોડની જમીન પાણીના મુલે લેનારને દર વર્ષે માત્ર રૂ.૧.૩૦ કરોડ જ ચૂકવવાના થાય. જેને લઈને આ બિલ્ડર દ્વારા પાલિકાનો બોજાે ઉભો રાખીને એનાજ નાણાંથી આખો પ્રોજેક્ટ ઉભો કર્યાનું ચર્ચાય છે. આ કારણસર એવા પણ આક્ષેપો થઇ રહયા છે કે સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો અને જે તે સમયના પાલિકાના શાસકો દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને પાલિકા ઘરની પેઢી હોય એવી રીતે જગ્યા હપ્તે આપી દીધી હતી. આ હરાજીમાં કોઈ રિઝર્વ પ્રાઈઝ રાખવામાં આવી નહોતી. જે જાેતા વ્યાપક ભ્રષ્ટાચારને સમર્થન મળતું હતું. સરકાર દ્વારા જ્યારે જ્યારે કોઈપણ જગ્યાની હરાજી કરવામાં આવે છે. ત્યારે ત્યારે એ હરાજી જંત્રી કે બજાર પ્રાઈઝ મુજબની રિઝર્વ પ્રાઈઝથી કરવામાં આવે છે.

તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા રેલવે સ્ટેશન સામે આવેલ કડક બજારની જમીન બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને માટે ફાળવવાને માટે રૂ.૩૮૦૦નો જંત્રીનો ભાવ ગણીને ફાળવવામાં આવ્યો છે. ત્યારે એ બાબત સ્વયં એવું સ્પષ્ટ કરે છે કે જન્મહાલવાળી જમીન ઝીરો રિઝર્વ પ્રાઈઝથી આપીને સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો અને વડોદરા પાલિકાના જે તે સમયના શાસકો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જેને કારણે પાલિકાની તિજાેરીને જંગી આર્થિક નુકશાન થવા પામ્યું છે. આ સ્માર્ટ સિટીની કંપનીમાં વર્ષ ૨૦૧૭માં જે હોદ્દેદારો અને ડાયરેક્ટરો હતા એમાં માજી મ્યુનિસિપલ કમિશ્નર, માજી સ્થાયી સમિતિના અધ્યક્ષ અને પૂર્વ મેયર ડો.જિગીષાબેન શેઠ, એડીશ્નલ સીટી ઈજનેર, ફ્યુચરિસ્ટિક સેલ તેમજ સ્માર્ટ સિટીના સીઈઓનો સમાવેશ થાય છે. આ કામને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અપાઈ હોઈ એના સભ્યો જેમાં જે તે વખતે પૂર્વ ડેપ્યુટી મેયર ડો.જીવરાજ મહેતા પણ સામેલ છે. તેઓને પણ તપાસમાં લેવા માગ કરાઈ છે.