ઓલપાડ, તા.૫ 

એક તરફ કોરોના મહામારીથી ખેડૂતો બેહાલ છે,ત્યારે બીજી તરફ ચીન અને પાકિસ્તાન સાથે વધી રહેલા ભારત દેશના તણાવને પગલે ખેડૂતોના માથે આર્થિક આફતની દશા બેઠી છે.

 સુરત જિલ્લામાં કપાસની ખેતીમાં મોખરાનું સ્થાન ધરાવતા ઓલપાડ તાલુકાના ખેડૂતોએ ગત વર્ષે કપાસના ભાવ સારા મળતા કપાસની સિઝનમાં આશરે ૧૩૦૦થી વધુ એકર જમીનમાં કપાસની વાવણી કરી હતી.જ્યારે પાક તૈયાર થતા ખેડૂતોએ કપાસ વીણીને ઓલપાડ,સાયણ,જહાંગીરપુરા જીન કમ્પાઉન્ડ સહિત સુરત શહેરમાં નાનાવરાછા મુકામે આવેલી ૧૨ કોટન સહકારી મંડળીઓમાં ૭૪૩૧.૪૫ કિવન્ટલ કપાસનો પાક વેચાણ અર્થે જમા કરાવ્યો હતો જેના પગલે મંડળીઓમાં કપાસનો બફર સ્ટોક થયો છે. આ મંડળીઓએ પુરૂષોત્તમ જીનીંગ-પ્રેસિંગ મીલ દ્વારા જમા આવેલ કપાસનું પિલાણ કરી ૩૫૬ કિલોનું વજન ધરાવતી એવી ૧૪૯૯ નંગ ખાંડી(રૂ ની ગાંસડી)બનાવી વેચાણ અર્થે ગોડાઉનમાં ભરી હતી.જ્યારે કોટન મંડળીના વહીવટકર્તાઓ અને ખેડૂતોને આશા હતી કે ગત વર્ષે પ્રતિ કિવન્ટલ દીઠ રૂ.૫૨૦૦ થી ૫૫૦૦ નો ભાવ હોવા ઉપરાંત વિશ્વના દેશો સહિત ચીનમાં વધી રહેલ ભારત દેશના સફેદ રૂ ની માંગના પગલે ચાલુ વર્ષે પણ કપાસનો ઉંચો ભાવ મળશે.પરંતુ છેલ્લા ચાર માસથી કોરોના અને ચીન-પાકિસ્તાન તણાવના પગલે દેશના ઉત્પાદનની નિકાસ લોકડાઉનથી બંધ રહેતા ખેડૂતોની આશા ઠગારી નિવડી છે.ગાંસડીઓને ખરીદનાર ન હોવાના કારણે આજે પણ રૂ ની તમામ ગાંસડીઓના સફેદ રૂને ઉંદર બગાડ કરી રહ્યા હોવા ઉપરાંત હવાના ભેજના કારણે સફેદ રૂ પીળો પડી છે.