લોકસત્તા વિશેષ : શહેર નજીક આજવા રોડ ખાતે આવેલ સિકંદરપુરા ગામની સીમમાં આવેલી સહારા ઈન્ડીયા લિ. કંપનીની આશરે રૃપિયા ૩૦૦ કરોડની બજાર કિંમતની ૩૩ લાખ ચોરસ ફૂટ જમીન શ્રીસરકાર કરવાનો હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ૧૭ વર્ષ પુર્વે સહારા કંપની દ્વારા ખરીદવામાં આવેલ જમીનમાં ગણોતધારાની કલમ ૬૩નો ભંગ કરવામાં આવ્યો હોઈ વાઘોડિયા મામલતદાર અને કૃષિપંચ દ્વારા સપાટો બોલાવી આખી જમીન શ્રીસરકાર કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

એક સમયે દેશમાં જાણીતી બનેલી સુબ્રતો રોયની કંપની સહારા ઈન્ડીયા લિ. દ્વારા શહેર નજીક સિકંદરપુરા ગામ ખાતે આશરે ૩૩ લાખ ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી હતી. પરંતુ ગણોતધારાની કલમ ૬૩ હેઠળ પરવાનગી મેળવી ખરીદવામાં આવેલી આ જમીનમાં ખરીદવાની પરવાનગીની શરતોનો ભંગ થયો હતો. આ અંગે વર્ષ ૨૦૧૯માં વાઘોડિયા મામલતદાર અને કૃષિપંચ દ્વારા ગણોતકેસ નંબર ૩૫/૨૦૧૯ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી.

આ કેસ ચાલી જતાં કંપની તરફથી જમીનમાં શરતભંગ મામલે કોઈ નક્કર દલીલ કે પુરાવા રજુ કરવામાં આવ્યા નહતા. જેમાં જમીનની ખરીદીની મંજુરી આપતા મૂળ હુકમમાં શરતભંગ થયાના મુદ્દે વાઘોડિયા મામલતદાર અને કૃષિપંચ દ્વારા શરતભંગનો હુકમ કરી આખી જમીન શ્રીસરકાર દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

૨૦૦૩ અને ૨૦૦૪માં ખરીદીની મંજૂરી મળી હતી

સહારા ઈન્ડીયા લિ. દ્વારા આજવારોડ પર આવેલ સિકંદર પુરા ગામમાં આવેલી જુદી જુદી જમીનો ખરીદી કરવા માટે જમીન સુધારણા કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ જમીન ખરીદવા માટે જમીન સુધારાણ કચેરી દ્વારા ગણોતાધારાની કલમ ૬૩ હેઠળ શરતોને આધીન જમીન ખરીદવા માટે વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૪માં જુદા જુદા ૬ હુકમો કરી મંજૂરી આપવામાં આવી હતી.

જૂના સર્વે નંબરની કઈ કઈ જમીનનો સમાવેશ?

જુનો સર્વે ક્ષેત્રફળ

નંબર ચો.મી.

૨૩ ૨૫૩૯૪

૮/૧/૨ ૬૨૪૨૩

૧૭ પૈકી ૧૪૨૬૫

૯ ૩૦૬૫૫

૧૭ પૈકી ૧૨૪૪૪

૧૧ ૩૬૪૨૨

જુનો સર્વે નંબર ક્ષેત્રફળ

 ચો.મી.

૧૯ ૨૦૯૩૧

૨૦ ૩૩૪૮૮

૨૧ ૨૦૬૩૯

૨૨ ૨૨૮૬૪

૨૪ ૨૬૪૦૬

કુલ ક્ષેત્રફળ ૩૦૬૯૩૧ ચો.મી.

સહારા ટાઉનશિપના ડ્રીમ પ્રોજેક્ટનો ફ્લોપ શો

આજથી ૧૭ વર્ષ પહેલા સહારા ઈન્ડીયા લી. દ્વારા આશરે ૩૩ લાખ ચોરસ ફૂટ જમીનનો મોટો જથ્થો એકત્રીત કરી ત્યાં સહારા ટાઉનશીપ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ કલેકટર જમીન સુધારણાની કચેરી મારફતે કલેકટર દ્વારા વર્ષ ૨૦૦૩ અને ૨૦૦૪માં આપવામાં આવેલી મંજુરીમાં આ જમીન પર રહેણાંક મકાનો, શાળા, કોલેજ, હોસ્પિટલ, બાગ-બગીચા તથા ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધા ઉભી કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી. પરંતુ સુબ્રતો રોયની ધરપકડ બાદ વડોદરામાં સહારા ટાઉનશીપના ડ્રીમ પ્રોજેક્ટનો ફ્લોપ શો થયો હતો.

સહારાની વેચાણની નોંધ સામે પણ વિવાદ શરૂ

વર્ષ ૨૦૦૪માં કલેકટરની પરવાનગી બાદ સહારા ઈન્ડીયા દ્વાર ખેતીની જમીન ખરીદવામાં આવી હતી. પરંતુ આ જમીનનો શરત મુજબનો ઉપયોગ શરૃ કરવામાં આવ્યો નહતો. આ ઉપરાંત સહારા ઈન્ડીયા લિ.ની પડતી શરૃ થયા બાદ વર્ષ ૨૦૧૬થી આ વેચાણ સામે મૂળ જમીન માલિકો દ્વારા પણ વાધોડીયા મામલતદાર દ્વારા મંજુર કરવામાં આવેલી વેચાણની નોંધ સામે નાયબ કલેકટરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.