ગાંધીનગર-

ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂપાણી સરકાર કોરોનાનો મૃતાંક છુપાવતી નહીં હોવાનો દાવો કર્યો છે. તેમણે કોરોનાનો મૃત્યુઆંક છુપાવાઇ રહ્યાના આક્ષેપ અને અહેવાલોને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નકારી કાઢી મીડિયા પર લોકોમાં ભયનો માહોલ ફેલાવવાના આશયથી અહેવાલો પ્રસિદ્ધ કરવાનો આરોપ પણ મૂકી દીધો.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના એક અગ્રણી અખબારે 'ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે, ૭૧ દિવસમાં ૧.૨૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં'શિર્ષક હેઠળ પ્રસિદ્ધ કરેલા સમાચારને હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે.ગૃહ રાજ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ અહેવાલમાં ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે.

મંત્રીએ આ વિષયે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર અને ડેથ સર્ટીફીકેટ ઓન લાઇન આપવાની પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે.ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમનાડેથ સર્ટીની બેન્ક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુૅંખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે.

વિવિધ કામો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે.એટલું જ નહીં, પરિવારમાં થયેલ મૃત્યુથી શોકમગ્ન પરિવારો અન્ય વિધિઓ, રીત-રિવાજો વગેરેને કારણે મૃત્યુ થયાના સમયે જ મરણ નોંધણી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરાવી ન જ શકે તે સ્વાભાવિક છે.તેમણે ઉમેર્યું કે, આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને આ અખબારી અહેવાલમાં જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ-તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, આ અખબારી અહેવાલમાં ૨૦૨૦ના વર્ષની દર્શાવાયેલી આંકડાકીય વિગતોમાં એકયુરસી-ચોક્કસતા નથી.