નવી દિલ્હી

વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે જેક સુલિવન સાથે મુલાકાત કરી ખૂબ જ ખુશી થઈ. ઈન્ડો-પેસિફિક અને અફઘાનિસ્તાન સહિત અન્ય વિષયો પર વ્યાપક ચર્ચા થઈ. તે દરમિયાન વૈશ્વિક મહામારીને લઈને ભારત-અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ વાતચીતનો પણ દોર ચાલ્યો હતો.

તો બીજી તરફ NSA જેક સુલિવને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. અમારા લોકોથી લોકોના સંબંધ અને અમારા મૂલ્ય અમેરિકા-ભારત ભાગીદારીનો પાયો છે અને અમે મળીને કોરોનાને સમાપ્ત કરવાની દિશામાં સહાયતા કરીશું. સુલિવને ટ્વિટમાં વધુમાં જણાવ્યું કે, અમેરિકી સરકાર અને અમેરિકનોએ ભારતને કોરોના મહામારીથી લડવા માટે 500 અમેરિકી ડોલરથી વધારેની સહાયતા આપી છે. અમે બધા મળીને આ મહામારીને હરાવીશું.

આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકી કંપનીઓના પ્રમુખ સભ્યો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે અમેરિકી કંપનીઓ તરફથી ભારતને મોકલવામાં આવતી રાહત સહાયતા અંગે જાણકારી આપી હતી. અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. આ બેઠકનું આયોજન USIBCએ કર્યું હતું. પરિષદ યુએસ ચેમ્બર ઓફ કોમર્સનો ભાગ છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન જયશંકર અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેન, સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી.