આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શિરીષ કુલકર્ણી તથા અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગના વડા પ્રો. સંદીપ ભટ્ટના પ્રયત્નોથી અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગ ખાતે અમેરિકા સ્થિત અનિલભાઈ મનુભાઈ શાહ દ્વારા પિતાની યાદમાં પ્રોફેસર મનુભાઈ એમ. શાહ ચેર સ્થાપવા માટે રૂ.૫ લાખ આપવામાં આવ્યા છે. પ્રો. મનુભાઈ એમ. શાહ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગના સ્થાપના કાળના પ્રથમ અધ્યાપક હતા. તેઓએ પોતાની સંપૂર્ણ કારકિર્દી દરમિયાન સંચાલન વિષય પર અનેક પુસ્તકો લખ્યા હતા. પ્રો. મનુભાઈ એમ. શાહે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી એમએસસી ઇકોનોમિક્સમાં કર્યું હતું. ખૂબ જ ઉમદા સ્વભાવના પ્રો.મનુભાઈના હાથ નીચે ઘણાં ઉદ્યોગપતિઓ, પ્રોફેસર, મેનેજમેન્ટ નિષ્ણાતો, રાજનીતિજ્ઞો તૈયાર થયાં હતાં. તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ યોજાનાર વેબીનાર દ્વારા આ ચેરનું વિધિવત ઉદઘાટન થશે. આ પ્રસંગે પ્રો.એન.એમ. ખંડેલવાલ, પ્રોફેસર મનુભાઈ એમ. શાહ એક રોલ મોડલ વિષય પર વાત કરશે.