સુરત, તા.૮  

વેસુ ખાતે આવેલી એસડી જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકાતા રોષ ફેલાયો છે. એફઆરસી મુજબની ફી વાલીઓએ ચૂકવી હોવા છતાં એમડી જૈન સ્કૂલે બાળકોને ઓનલાઇન ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવતા હોવાની ફરિયાદ સાથે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલ ડ્રેસમાં ડીઈઓ કચેરી બહાર દેખાવો કરી ન્યાયની અપીલ કરી હતી. સાથે સાથે એફઆરસી કરતા પણ વધુ ફી ભરવા માટે શાળા સંચાલકો દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું.

વાલીઓએ ડીઈઓને આવેદનપત્ર આપી તાત્કાલિક આ બાબતે શાળા સામે પગલાં ભરી બાળકોના ભાવિ સામે ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ મામલે વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકો સુરતની એસડી જૈન સ્કૂલ ( વેસુ )માં અભ્યાસ કરે છે તેમજ આ સ્કૂલમાં તમામ વર્ષની (૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦) એફઆરસીએ નિર્ધારિત કરેલ ફી કરતા પણ વધારે ફી ભરપાઈ કરી હોવા છતાં સ્કૂલ તરફથી પુરેપુરી ફીની માંગણી કરવામાં આવે છે. સ્કૂલ દાવારા કહેવામાં આવે છે કે, એફઆરસી નિર્ધારિત ફી માન્ય રાખી નથી. વધુમાં ઉમેર્યું હતું કે, બાળકોને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી પુરેપુરી ફી ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. હાલ શાળાઓ સદંતર બંધ છે તેમ છતાં શાળા તરફથી પુરી ફીની માંગણી કરવામાં આવી રહી છે. ૧૭-૮-૨૦૨૦થી અમારા બાળકોનું ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવાયું છે. વિદ્યાર્થીઓની ૦૮-૦૮-૨૦૨૦થી પરીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. આવતા અઠવાડિયાથી પ્રાઈમરી અને સેકન્ડરી ક્લાસની અર્ધ વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે. જેમાં મહત્વપૂણ ધોરણ ૯ અને ૧૦ ના અભ્યાસ પર ભવિષ્ય નિર્ધારિત હોય છે.