હિંમતનગર,તા.૯ 

સાબરકાંઠા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે શુક્રવારે સવારે બાઈક ચોરી કરવા બે બાઇક પર આવેલા રાજસ્થાન ગેંગના પાંચ બાઇકચોરને ચોરીના બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ ઝડપાઇ જતા સાબરકાંઠા અને રાજસ્થાનમાં થયેલી કુલ ૧૫ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. બાઈક ચોરીના સાત ગુનામાં વોન્ટેડ આરોપી અત્યાર સુધી પોલીસને થાપ આપતો રહ્યો હતો. પરંતુ શુક્રવારે એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલીક દ્વારા જિલ્લામાં બાઈક ચોરીના ગુનાઓનું ઝડપી ડિટેક્શન કરવા સૂચના આપવામાં આવ્યા બાદ એલસીબી પીઆઇ જે.પી. રાવને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ટીમે કેનાલથી પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સવારે ૮ થી ૧૦ દરમિયાન અલગ-અલગ જગ્યાએથી બે બાઇક પર આવેલ પાંચ પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા હતા.એલસીબી પી.આઈ જે.પી. રાવે જણાવ્યું કે તેમની પાસેના બાઈકની વિગતો પોકેટ કોપથી બંને બાઈકની ચકાસણી કરતાં ચોરીના હોવાનું બહાર આવતા તેમને અટક કરી પુછપરછ કરતા રાજસ્થાન અને સાબરકાંઠામાં કુલ ૧૫ બાઈક ચોરીની કબૂલાત કરી હતી.જેથી ડુંગરપુર જિલ્લાના બાઈક ચોરોના ઘેર અલગ અલગ જગ્યાએ છૂપાવેલી બાકીની ૧૩ બાઇકો રિકવર કરી કુલ રૂ. ૪.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. બાઈકચોરીના સાત ગુનામાં વોન્ટેડ કમલેશ ડામોરને ઝડપી લીધો હતો. ઝડપાયેલા પાંચ બાઇક ચોરમાં વિજયકુમાર ડામોર,ગોવિંદ ડામોર (બંને રહે. બલીચા, પાટીયા, જિ.ઉદેપુર,રાજસ્થાન), હરીશકુમાર પરમાર (રહે. દેમાત, તા.ખેરવાડા),બાદલ અસોડા (રહે. અસોડા ફળો, છાણી તા.ખેરવાડા, જિ.ઉદેપુર),કમલેશભાઇ ડામોર (રહે.સકલાલ, ડુંગાધરાફળા, તા.ખેરવાડા)નો સમાવેશ થાય છે.