વડગામ : વડગામ તાલુકાના પીલુચા નજીક સરસ્વતી નદીના પટમાં અશ્વ રેસ યોજાઈ હતી. બસો વર્ષ પુરાણી પરંપરા અશ્વ રેસ આજની નવી પેઢીના યુવાનો માટે આકર્ષક બની હતી. આ રેસને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.વડગામ તાલુકાના પીલુચા ખાતે આવેલ પવિત્ર સરસ્વતી નદીના પટમાં રવિવારે અશ્વદોડ યોજાઇ હતી. આં દોડ વારસો પહેલા રાજા, બાદશાહોના સમયમાં યોજાતી હતી. સરસ્વતી નદીના પટમાં પીલુચા અને નગાણા અશ્વ કમિટી દ્વારા અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૫૦ વિવિધ જાતના ઘોડા અને ઘોડી પર ઘોડેસ્વારોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિવિધતામાં એકતાની ઝાંખી પણ જોવા મળી હતી. સ્પર્ધામાં વિવિધ પ્રકાર અને અલગ અલગ જાતિની મારવાડી, અને સિંધી જાતની ઘોડી જોવા મળી હતી. અશ્વ રેસ ત્રણ રાઉન્ડમાં યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબરે જૂની નગરીના ૧૫ વર્ષીય બાળ સ્પર્ધક જુનેદખાન બિહારીની કેસર ઘોડી આવી હતી. બીજા નંબરે જેહાજી કુંવારાવાળાની કિસ્મત ઘોડી અને ત્રીજા નંબરે ફતેહખાન મેતાવાળાની સોનુ ઘોડી વિજેતા જાહેર થઈ હતી. વિજેતા ઘોડીઓના માલીકોને ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આજના યુગમાં દરેક વ્યક્તિ આજે વૈભવી ગાડીઓ અને મોબાઈલ અને ટેકનોલોજી યુગમાં નાના બાળકો અને નવી પેઢીના યુવાનોને ખબર જ નથી કે અશ્વ દોડ એટલે શું? જૂની રમતો તો ભુલાઈ ગઈ છે. માત્ર પાઠયપુસ્તક પુરતી સિમીત થઇ ગઇ છે ત્યારે જુની રમત જેવી અશ્વ દોડ જેવી સ્પર્ધાનો શ્રેય નગાણા અને પીલુચાની અશ્વ ટીમને ફાળે જાય છે કે તેમના અથાગ પ્રયત્નોથી જે લુપ્ત થતી જુની રમતો અને રાજા બાદશાહો વખતે જે પોતાના મોજશોખ ખાતર યોજતા સ્પર્ધાનુ આયોજન કરી તેને જીવંત કરી છે.