રાજકોટ-

રાજકોટમાં ચોરી, લૂંટ, હત્યા સહિતની ક્રાઇમની ઘટના અવારનવાર બનતી રહે છે. ત્યારે નેપાળી ગેંગે ગુગલ પરથી શહેરના અલગ અલગ જ્વેલર્સના નામ અને સરનામા સર્ચ કરી લિસ્ટ બનાવી ૧ કરોડની ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. શહેરની સોની બજારમાં આવેલા વિકાસ જ્વેલર્સમાં નેપાળી ગેંગ ચોરી કરવાના ઇરાદે ઘૂસે તે પહેલા જ રેલવે ક્રાઇમ બ્રાન્ચે એક સાગરીતને રેલવે સ્ટેશન પરથી પકડી લીધો હતો. તેની પૂછપરછ કરતા જ ભાંડો ફૂટ્યો હતો અને પોલીસને દિવાળી પહેલા અલગ અલગ જ્વેલર્સમાંથી ૧ કરોડની ચોરીનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત આપી હતી.

મળતી વિગત મુજબ મુંબઇ તરફથી આવતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં આંતરરાજ્ય ટોળકી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે રાજકોટ રેલવે સ્ટેશન પર ઉતરી ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપવા માટે આવતા હોવાની ચોક્કસ બાતમી મળતા રેલવે ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ એચ.એસ.ઝાલા સહિતનો સ્ટાફ રેલવે પ્લેટફોર્મ ઉપર વોચમાં હતો. ત્યારે ટ્રેનમાંથી એક શખ્સ ચોરી કરવા માટેના સાધનો સાથે મળી આવતા તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઉપેન્દ્ર તેફ નેપાળી આપ્યું હતું.

પોલીસે ઉપેન્દ્રની પૂછપરછ કરતા ચાર દિવસ પહેલા મુખ્ય સૂત્રધાર મૂળ નેપાળ હાલ રાજકોટમાં રહેતો ચંદને મોબાઇલમાં મેસેજ કરી પોતાને અને સાગરીત કેસર તથા પ્રકાશને રાજકોટ બોલાવ્યા હતા. બાદ પોતે ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે કેસર અને પ્રકાશ ત્રણેય નેપાળથી દિલ્હી બાદ ત્યાંથી મુંબઇ આવ્યા હતા અને ત્યાંથી સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન મારફતે રાજકોટ આવ્યા હતા. જ્યારે સાગરીત કેસર અને પ્રકાશ નાસી ગયા હતા. પોલીસે ઉપેન્દ્ર પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં ગણેશીયો, બે ડીસમીસ તથા મોટું પાનું કબ્જે કર્યા હતા.

મુખ્ય સુત્રધાર ચંદને રાજકોટમાં દિવાળી પહેલા અલગ અલગ નામાંકીત જ્વેલર્સમાં ત્રાટકી એક કરોડની ચોરી કરવાનો પ્લાન હતો. ચંદન આઠેક વર્ષથી રાજકોટમાં રહી હોટલમાં નોકરી કરતો હોય જુદા-જુદા વિસ્તારનો જાણકાર હતો. પકડાયેલા ઉપેન્દ્રએ ગુગલમાં સર્ચ કરી રાજકોટની અલગ અલગ જ્વેલર્સના નામ-સરનામા મેળવી લીધા હતા. જેમાં વિકાસ જ્વેલર્સનું પણ સરનામું મેળવી તેમાં ચાર કલાકમાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે ઉપેન્દ્રની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને મુખ્ય સુત્રધાર ચંદન, નેપાળના કેસર અને પ્રકાશ ફરાર થઇ જતા તેની શોધખોળ શરૂ કરી છે. તેમજ પકડાયેલા ઉપેન્દ્ર અને તેના સાગરીતોની કોલ ડિટેઇલ કઢાવવાની તજવીજ હાથ ધરી છે.