સિડની । 

ઓસ્ટ્રેલિયા સામે ૧૭મી ડિસેમ્બરથી રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલાં વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ ક્રિઝ ઉપર કેટલોક સમય ગાળીને અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા-એ સામે રમાયેલી પ્રેક્ટિસ મેચના છેલ્લા દિવસે ભારતના અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા અને મેચ રસાકસી વિના ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયા-એના મધ્યમ પેસ બોલર માર્કે સ્ટિકેટીએ ૩૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવમાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહેલા સાહાએ ભારત-એના બીજા દાવમાં સર્વાધિક ૫૪ રન બનાવ્યા હતા. તેણે ૧૦૦ બોલનો સામનો કર્યો હતો અને સાત બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતે પ્રથમ દાવમાં ૫૯ રનથી પાછળ રહ્યા બાદ બીજા દાવને નવ વિકેટે ૧૮૯ રનના સ્કોરે ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા-એને મેચ જીતવા માટે ૧૫ ઓવરમાં ૧૩૦ રનની જરૂર હતી પરંતુ રમતના અંતે યજમાન ટીમે એક વિકેટે ૫૨ રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરી રહેલા અજિંક્ય રહાણેએ પ્રથમ દાવમાં સદી અને બીજા દાવમાં ૨૮ રન બનાવ્યા હતા. પૂજારા ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. પૃથ્વી શોએ ૧૯ તથા શુભમન ગિલે ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે ૩૭ રનની ભાગીદારી નોંધાવી હતી. ગ્રીને પ્રથમ દાવમાં સદી ફટકાર્યા બાદ બોલિંગથી પણ તમામને પ્રભાવિત કર્યા હતા. તેણે ૧૨ રનમાં બે વિકેટ ઝડપી હતી. રમતના પ્રથમ તબક્કામાં ઓસ્ટ્રેલિયા-એ ટીમે નવ વિકેટે ૩૦૬ રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.