કોલંબો

શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) અને તેના ક્રિકેટરો વચ્ચે ફરીથી તણાવ હોઈ શકે છે કારણ કે વિવાદાસ્પદ રાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવા માટે ખેલાડીઓને મંગળવારથી માત્ર ૩૬ કલાકનો સમય આપવામાં આવ્યો છે. એસએલસી સૂત્રોએ જણાવ્યું હતું કે ખેલાડીઓ મંગળવારે યુકેથી પરત ફરી રહ્યા છે અને ૮ જુલાઇની સમયમર્યાદા સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરવા પડશે. જે ખેલાડી કરાર પર હસ્તાક્ષર કરશે નહીં તેની પસંદગી ભારત સામે ૧૩ જુલાઈથી શરૂ થનારી મર્યાદિત ઓવરની શ્રેણી માટે ટીમમાં કરવામાં આવશે નહીં.

પૈસા અંગે સંપૂર્ણ વિવાદ

વાર્ષિક કરારને લઈને કેટલાક સમયથી ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો છે. ગયા મહિને ખેલાડીઓ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જવા માટે ટૂર કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા હતા. આ ટૂરમાં શ્રીલંકાને બંને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. બાયો-સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખેલાડીઓને ઘરે મોકલ્યા બાદ પ્રવાસ પણ વિવાદમાં ઉતર્યો હતો.

રાજપક્ષે પર ૫,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો 

આ દરમિયાન પસંદગીકારોએ ટીમમાં ડાબોડી બેટ્‌સમેન ભાનુકા રાજપક્ષેને પાછા લાવવાનો ર્નિણય લીધો છે. કરારની શરતોનું પાલન ન કરવા બદલ ૫,૦૦૦ ડોલરનો દંડ ઉપરાંત તેમને બે વર્ષના સસ્પેન્ડ પ્રતિબંધ આપવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા, ખેલાડીઓ કરારો પર હસ્તાક્ષર કરવા માટે ૩ જૂનની અંતિમ તારીખને પૂર્ણ કરી શક્યા ન હતા. ત્યારબાદ ખેલાડીઓએ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ ટાંક્યો હતો.

એ ગ્રેડમાં ફક્ત છ ખેલાડીઓ

ખેલાડીઓએ મે મહિનામાં થયેલી વાતચીત દરમિયાન કહ્યું હતું કે અન્ય દેશોના ખેલાડીઓ તેમના માટે આપવામાં આવતા પગારથી ત્રણ ગણા વધારે વેતન મેળવે છે. ત્યારબાદ શ્રીલંકા ક્રિકેટે ચાર કેટેગરીમાં ૨૪ ખેલાડીઓ માટે કરારની ઘોષણા કરી હતી. તેમાંથી, 'એ' કેટેગરીમાં ફક્ત છ ખેલાડીઓ હતા અને તેમના વાર્ષિક પગાર ધોરણો ૭૦,૦૦૦ થી લઇને ૧૦૦,૦૦૦ ડોલર હતા.

બેટ્‌સમેન ધનંજય ડી સિલ્વાને સૌથી વધુ પેઇડ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે બાકીના ખેલાડીઓના પગાર ધોરણે ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ ડોલરની વચ્ચેનો ર્નિણય લેવામાં આવ્યો હતો.