વડોદરા : ખંડણીના ગુનામાં વાડી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા નામચીન અજ્જુ કાણિયાને પોલીસ મથકમાથી એક્ટિવા પર બેસાડીને ભગાડી જવામાં મદદગારી કરનાર કુખ્યાત આરોપી સલીમ ગોલાવાલાની વાડી પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજાે મેળવી તેની અટકાયત કરી હતી.  

વાડી વિસ્તારના વેપારી પાસે ખંડણી માગવાના ગુનામાં વાડી પોલીસે નામચીન આરોપી અજ્જુ કાણિયા સહિત બે આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસ ગત ૧૫મી જુને બંને આરોપીઓને સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવીને તેઓને મોડી રાત્રે પોલીસ મથકમાં પરત લાવી હતી. આ દરમિયાન અજ્જુ કાણિયો મોબાઈલ ફોન પર વાત કરવાના બહાને પોલીસ મથકના દાદર વાટે નીચે ઉતરીને બહાર ઉભેલા તેના સાગરીતની એક્ટિવા પર બેસીને ફરાર થયો હતો. આ બનાવ બાદ પોલીસે અજ્જુ કાણિયાની ફરી ધરપકડ કરી તેને સેન્ટ્રલ જેલમાં મોકલ્યો હતો જયાં ગત બુધવારે તેની અન્ય કેદીઓ દ્વારા કરપીણ હત્યા કરાઈ હતી.

અજ્જુ કાણિયાના વાડી પોલીસ મથકમાંથી ફરાર થવાના બનાવમાં પોલીસે અજ્જુ કાણિયા અને તેના અજાણ્યા સાગરીત વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ ગુનાની તપાસમાં પોલીસને વિગતો મળી હતી કે અજ્જુ કાણિયાને તેના ખાસ મિત્ર સલીમ ગુલામમોહંમદ ગોલાવાલાએ ભગાડી જવામાં તેમજ મહેસાણામાં કડી ખાતે આશરો અપાવવામાં મદદ કરી હતી. આ ગુનાન આરોપી સલીમ ગોલાવાલા હાલમાં આર્મ્સ એક્ટના ગુના હેઠળ બનાસકાંઠાના ધાનેરા જેલમાં હોઈ વાડી પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજાે મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કટ્ટરવાદી માનસ ધરાવતો સલીમ ગોલાવાલા પણ ગત ૧૯૯૧થી ૨૦૨૦ સુધીમાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ અને જુગાર સહિત ૨૦ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે.