ભરૂચ, તા.૭ 

સહકારી સંસ્થાઓની ચૂંટણી થતાં જ સહકારી ક્ષેત્રે ગરમાટો આવ્યો છે. વાલિયા સ્થિત ગણેશ સુગરની ચૂંટણી જાહેર થતાં અંદરનું રાજકારણ ગરમાયું છે. ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિએ કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થતી હોવાથી ચૂંટણી મોકુફ રાખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

ભરૂચ જીલ્લા કલેકટરને ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. પત્રમાં તાજેતરમાં જાહેર થયેલ ચૂંટણી કાર્યક્રમને હાલ કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય ચૂંટણી મોકુફ રાખવા વિનંતી કરવામાં આવી છે. આવેદનમાં વધુ જણાવેલ છે કે, ગણેશ સુગરમાં ત્રણ જીલ્લા ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ૮ તાલુકાનાં ૬૦૦ થી વધુ ગામોનો પણ સમાવેશ થતો હોવાથી આટલી મોટી સંખ્યામાં મતદારો, ઉમેદવારો, ટેકેદાર, સભાસદ ભેગા થતાં હોય ત્યારે કોવિડ-૧૯ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શકય બનશે નહીં. વધુમાં ગણેશ સુગરનાં કાર્યક્ષેત્રનાં સભાસદો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, આણંદ, કોસંબા જેવા શહેરોમાં પણ રહે છે જ્યાં પણ હાલ કોરોનાની પરિસ્થિતિ ભયંકર હોવાથી માઇક્રો કન્ટેઇનમેન્ટ તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં સભાસદો કે જે મતદાર છે તેઓ હોવાથી ચૂંટણી મોકુફ રાખવા વિનંતી કરાઇ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદનાં કારણે ખેડૂતની કામગીરી શરૂ થઇ છે.