વડોદરા : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ થયેલ “હર ઘર તિરંગા” અભિયાનને સમગ્ર શહેરીજનોએ બહોળા પ્રતિસાદ સાથે વધાવી લીધો છે. સમગ્ર શહેર જાણે તિરંગાના ત્રણ રંગોથી રંગાઈ ગયું હોય તેવો માહોલ સમગ્ર શહેરમાં જાેવા મળી રહ્યો છે. તમામ ચાર રસ્તાઓ પર તિરંગાથી સર્કલને શણગારવામાં આવ્યા છે. તે સિવાય શહેરની ઐતિહાસિક તેમજ સરકારી ઈમારતોને તિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવી છે. શહેરની ઊંચી ઇમારતોથી માંડી અંતરિયાળ ગામની વાડીઓમાં આવેલ નાની દુકાનો, મોટા મોલ્સ, શોપિંગ સેન્ટરથી લઇ નાની રેંકડીઓ, સરકારી ઇમારતોથી માંડી શાળા-કોલેજાે તેમજ તમામ ઘર પર તિરંગા છવાઈ ગયા છે. તે ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળોએ ભગવાનને તિરંગાના રંગોથી શણગાર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ખાદ્યસામગ્રીઓ તેમજ પહેરવેશમાં પણ તિરંગાના રંંગો જ દેખાતા હોવાથી સમગ્ર શહેર તિરંગામય બનીને આઝાદીના ૭૫ વર્ષની અદ્‌ભૂત રીતે ઉજવણી કરી રહ્યું છે.

આઝાદીના ૭પમા વર્ષની ઉજવણીએ સમગ્ર સંસ્કારીનગરી દેશભક્તિના રંગે રંગાઈ ગઈ છે. બાળકોથી માંડી વૃદ્ધો સુધીના તમામ નાગરિકોમાં અમૃત મહોત્સવ અને તિરંગા ફરકાવવા માટે અનેરો અને અનન્ય ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. વડોદરાની લગભગ તમામ શાળાઓ-ખાનગીઓ અને સરકારી સંસ્થાઓ-કચેરીઓ-વ્યાપારીઓથી માંડી નાનામાં નાના રેંકડી-લારી-ગલ્લા-રિક્ષાવાળાઓ સુધ્ધાં ઉત્સાહ અને આદરભેર તિરંગો ફરકાવી રહ્યા છે.રાવપુરા વિસ્તારમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ સહિત ખાદીનું વેચાણ કરતી સેંકડો દુકાનો પરથી લાખો રૂપિયાના તિરંગાઓનું વેચાણ થયું છે. આ ઉપરાંત અનેક સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓ-ધાર્મિક સંગઠનોએ પણ તિરંગાનું વિતરણ કર્યું છે. રાજકીય પક્ષો પોતપોતાની વિચારધારાના વિરોધાભાસો હોવા છતાં રાષ્ટ્રભક્તિના આ પર્વે પોતપોતાની રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા હોવાથી સમગ્ર શહેર હાલ ઉજવણીમાં ગુલતાન બની ગયું છે.

ઈએમઈ અને એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય સૈન્ય અને વાયુદળના કર્મચારીઓ દ્વારા તિરંગો ફરકાવાયો

લશ્કર અને તેની પાંખોનું મહત્ત્વનું મથક ગણાતું વડોદરા આઝાદીના આ પર્વને દર વર્ષે અનેરી ઉજવણી કરે છે જ, એ જ રીતે વડોદરા સ્થિત ઈએમઈ અને એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય સૈન્ય અને વાયુદળના કર્મચારીઓ દ્વારા આ વખતે પણ જાેમ-જુસ્સા સાથે તિરંગો ફરકાવવાના આયોજન થયા છે તથા અમૃત મહોત્સવ નિમિત્તે આ વખતનો આ રાષ્ટ્રીય તહેવાર અભૂતપૂર્વ બની રહે એવી તડામાર તૈયારીઓ થઈ છે.

પોલીસ - રાજકીય અગ્રણીઓની સંયુક્ત તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું

“હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય અગ્રણીઓ પૈકી સાંસદ રંજનબેન ભટ્ટ , કેયુર રોકડીયા તેમજ સીમા મોહિલે જાેડાયા હતા. તે સિવાય વિવિધ શાળાઓના એસપીસી અને એનસીસીમાં જાેડાયેલ પંદરસો જેટલા વિદ્યાર્થીઓ આ યાત્રામાં જાેડાયા હતા. પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રામાં વિવિધ ટુકડીઓ બેન્ડ સાથે પરેડ યોજીને યાત્રામાં જાેડાતા સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.