સંતરામપુર-

મહીસાગર પોલીસ અધિક્ષક આર.પી.બારોટ દ્રારા સરહદી જિલ્લામાં નાઇટ પેટ્રોલિંગ સધન બનાવવાની સુચના પ્રમાણે સંતરામપુર પોલીસ સ્ટેશનના PI તથા સ્ટાફ કર્મચારીઓ દ્રારા વાકાપુલ ચોકડી પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. આ સમયે ઝાલોદ રોડ તરફથી પુરઝડપે આવી રહેલી ઇનોવા કારને અટકાવીને એમાં બે ઇસમો લુણાવાડા તાલુકાના રાધવના મુવાડાના ભાઈલાલ અંબાલાલ પટેલ અને હરદાસપુરના પ્રકાશ લલ્લુભાઈ રાવળની પુછપરછ કરવામાં આવી હતી. પોલીસ પુછપરછથી આ બંને ગભરાઈ ગયા હોવાની શંકાસ્પદ વર્તણૂકો વચ્ચે PIએ ઇનોવા ગાડીની અંદર હાથ ધરેલ તપાસમાં ગાડીમાંથી મળી આવેલી શંકાસ્પદ હાલતમા ભરેલ બે થેલા મળી આવ્યાં હતાં. જે બંને થેલાઓમાં 500ના દરની ચલણી નોટોના રૂપિયાના બન્ડલ નંગ 40 જેમાં એક બન્ડલમાં રૂ પાંચસોના દરની પાંચસો નોટો મળી એક બન્ડલમાં રૂપિયા અઢી લાખ લેખે રૂ પાંચસોના દરની ચલણી નોટોના કુલ 40 બંડલના કુલ રૂપિયા 1 એક કરોડ મળી આવ્યાં હતાં. પોલીસે બંને ઈસમોની આ અંગે પુછપરછ કરી હતી. પરંતુ તેમને સંતષકારક જવાબ મળ્યા ન હતાં. હાલ પોલીસે તમામ રમક જપ્ત કરી વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓને જાણ કરી છે. વડોદરા ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ આ રોકડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.