પાટણ, તા.૧૦ 

પાટણ શહેર સહિત જિલ્લામાં લાંબા સમય બાદ રવિવારે બપોરથી જ મેઘરાજાએ પધરામણી કરતા ધીમીધારે ચાર કલાક સુધી વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરતા થઈ ગયા હતા. સિદ્ધપુર સરસ્વતી પંથકમાં અઢી ઇંચ, રાધનપુર પાટણ સવા બે ઇંચ, હારિજમાં એક ઈંચથી વધુ અને સમીમાં એક ઇંચ જ્યારે ચાણસ્મા અડધો ઇંચ, શંખેશ્વરમાં ત્રણ મીમી અને સાંતલપુરમાં બે મી.મી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા કઠોળ બીટી કપાસ બાજરી જુવાર સહિતના પાકો માટે ફાયદારૂપ વરસાદ થયો છે. પાટણ શહેરમાં બપોરે ૨ઃ૦૦ બાદ ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજે ૬ સુધી વરસાદ વરસતા રેલ્વેગર નાળાથી દત્તાત્રેય સોસાયટી જનતા હોસ્પિટલ સુધી વરસાદી પાણી ભરાયા હતા. બીજી બાજુ કોર્ટ રોડ પર પાણી ભરાયા હતા. રેલવે અંડરપાસ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો. પુરવઠા ગોડાઉનની બહારના ભાગે પાણી ભરાયા હતા .સિદ્ધપુર ચાર રસ્તા પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે તેમજ આઈબીપી પેટ્રોલ પંપ પાસે બજારમાં, કે.કે ગર્લ્‌સ હાઈ સ્કૂલ પાસે,ટેલિફોન એક્સચેન્જ રોડ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુરમાં હાઈવેથી માંડી બસ સ્ટેન્ડ અને રામજી મંદિર સુધી ઉભી બજારમાં પાણી ભરાયા હતા જ્યારે સિદ્ધપુરમાં પણ નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભયભીત બની ગયા હતા. મહેસાણા જિલ્લામા ૨૪ કલાકમાં સૌથી વધુ જોટાણા તાલુકામાં ૩૬ મીમી અને બહુચરાજીમાં ૩૨ મીમી વરસાદ નોંધાયો હતો. કડીમાં ૨૩, ઊંઝામાં ૨૩, વિજાપુરમાં ૨૩, સતલાસણામાં ૧૮, ખેરાલુમાં ૧૫, મહેસાણામાં ૧૨, વડનગરમાં ૭ અને વિસનગરમાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન અમીરગઢમાં ૨૭, કાંકરેજમાં ૩૧, ડીસામાં ૩૯, દાંતામાં ૫૭, દાંતીવાડામાં ૩૦, દિયોદર ૪૮, પાલનપુરમાં ૪૪, મીમી વરસાદ નોંધાયો છે.