મહુધા : રાજ્ય સરકાર છેવાડાના લોકો માટે પીવાનુ પાણી ઉપલબ્ધ કરાવવા માટે જાત જાતનાં પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકાર દ્વારા ફાળવવામાં આવતાં નાણાંનો જન પ્રતિનિધિઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી ઓળવી જતાંની ફરિયાદો ઊઠી છે. મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મીનાવાડાના સરપંચ અને તલાટીને આપવામાં આવેલી નોટિસમાં વધુ એક કૌભાંડનો ખુલાસો થયો છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, મહુધા તાલુકાના નવ નિયુક્ત મહિલા તા.વિ.અધિકારી દ્વારા કરવામાં આવેલાં પારદર્શી વહીવટના કારણે ગ્રામ્ય કક્ષાએ વ્યાપેલાં ભ્રષ્ટાચારને એક પછી એક ખુલ્લો પાડવામાં આવી રહ્યો છે. હવે રેલો છેક મીનાવાડા ગ્રામ પંચાયતે સુધી પહોંચી ગયો છે. મહિલા અધિકારી દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યાં પ્રમાણે, વર્ષ ૨૦૧૬/૧૭ દરમિયાન મીનાવાડા ગ્રામના રોહિતવાસમાં પાણીની પાઇપલાઇનનું કામ એટીવીટી યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યુ હતું. મહુધા ટીડીઓને મળેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવતાં મીનાવાડાના સરપંચ અને મહુધા તાલુકા સરપંચ એસોેસિયેશનના પ્રમુખ સામંત પરમાર અને ત.ક.મંત્રી દ્વારા એસ્ટીમેટ પ્રમાણે ૫૭૦ મીટર પાણીની પાઇપલાઇન નાખવાના બદલે માત્ર ૧૮૩ મીટર લાઇન નાખી અંદાજિત ૩૮૭ મીટરના કામના નાણાંનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું.

પ્રાથમીક તબક્કે સરપંચ અને ત.ક.મંત્રીને નોટિસ આપી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે. જાેકે, આ પ્રકરણમાં તાલુકાના અમઇ અને એટીવીટી સબ ડિવિઝન નડિયાદના ડે.એક્ઝિ.એન્જિનિયરની કામગીરીને લઈને પાણીની પાઇપલાઇનમાં ભ્રષ્ટાચારનો રેલો કદાચ નડિયાદ ડિવિઝન કચેરી સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે.

મહુધા તાલુકા પંચાયત વિસ્તારના ગામોમાં એક પછી એક ભ્રષ્ટાચારના મામલાઓ ખુલતાં જઈ રહ્યાં છે ત્યારે પ્રજાને વિકાસથી વંચિત રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પાણીની પાઇપલાઇન જેવાં માળખાકીય કામોમાં પ્રજાએ ચૂંટીને હારતોરા પહેરાવેલાં સરપંચ જેવાં પ્રતિનિધિ સરકારી અધિકારીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે ત્યારે કોને કહેવા જવું? લાગે છે રાજ્ય સરકારે હવે સરપંચોને આપેલી સત્તા વિશે પુનઃ વિચાર કરવો પડે તેમ છે. મહુધાના મહિલા વિકાસ અધિકારીની પહેલને જિલ્લા કક્ષાએથી સમર્થન અને રાજ્ય સરકારનુ પ્રોત્સાહન મળી રહે તે જરૂરી છે. પરિણામે ભ્રષ્ટાચારથી ખદબદતાં મહુધા તાલુકામાં અંકુશ મેળવી શકાય તેમ છે.

સરપંચ એસો.ના પ્રમુખનો પરપોટો ફૂટી ગયો?

મહુધા તાલુકામાં સરપંચ એસોસિયેશનનું સંગઠન બનાવી પ્રમુખ પદે બેઠેલાં સામે હવે ભ્રષ્ટાચારના આક્ષેપો ઊઢ્યાં છે ત્યારે સંગઠન ઉપર પણ છાંટા ઉડે તેવી સ્થિતિ સર્જાઇ છે. હોદ્દાના નામે અધિકારીને બાનમાં લેવાનો પ્રયાસ કરનારાં મીનાવાડાના સરપંચ ખુદ હવે ભ્રષ્ટાચારના આક્ષેપો કેવી રીતે ધોશે એ સવાલ છે!

અગાઉ આ સરપંચે શું દાવ કર્યો હતો?

નગરજનોમાં ચર્ચા છે કે, થોડા માસ અગાઉ મહુધામાં નિમાયેલાં મહિલા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયાએ ચાર્જ સંભાળ્યો હતો. મહિલા અધિકારીની કામગીરીથી વાકેફ ન હોવા છતાં પ્રમાણિક અધિકારી હોવાનંુ જાણી ગયેલાં તત્કાલીન બની બેઠેલાં સરપંચ એસોસિયેશનના પ્રમુખે પંચાયતમાં કરેલાં ગોટાળા અને ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે પૂર્વગ્રહથી મહિલા અધિકારી વિરુદ્ધ આવેદપત્ર આપી અન્ય તાલુકામાં બદલી કરાવવાના નિષ્ફળ પ્રયાસો પણ કર્યાં હતાં. જાેકે, મીનાવાડાની તપાસમાં સરપંચ એસોસિયેશનના પ્રમુખનો ભાંડો ફૂટી ગયો હોય તેવું લાગી રહ્યું છે.