હિંમતનગર : સવગઢમાં ખાણ ખનીજ વિભાગે તા.૨૧/૦૯/૨૦ ની મધ્યરાત્રીએ રેડ કરી એક જેસીબી જપ્ત કરતા પંચાયત અને ખાણ ખનીજ વિભાગ આમને-સામને આવી ગયા છે. સવગઢમાં માટી અને પથ્થર ખનીજની બેફામ ચોરી થાય છે.રાત્રે જ આ પ્રવૃત્તિ આચરાય છે. જેને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા તા.૨૧/૦૯/૨૦ ના રોજ સર્વે નં. ૧૦૧ માંથી મધ્યરાત્રીએ ખાણ-ખનીજ વિભાગે જેસીબી નં. જી.જે-૯-ડી.એ-૦૦૨૨ જપ્ત કરી પંચાયત આગળ મૂકી કાર્યવાહી હાથ ધરી હતી.બુધવારે હિંમતનગર મામલતદાર તથા ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.દરમિયાનમાં પંચાયત દ્વારા લેટરપેડ પર ખાણ ખનીજ વિભાગમાં બચાવ રજૂ કરાયો હતો. જેને પગલે ભાણિયાને બચાવવા સરપંચ મામા મેદાને પડ્યાની ચર્ચાએ જોર પકડ્યું હતું. સરપંચ સાજીદભાઈ રેવાશીયાએ જણાવ્યું કે ગામમાં દબાણ દૂર કરવા દરમિયાન ગટર લાઈન તૂટી ગઈ હતી.દિવસ દરમિયાન પાણીનો ફ્લો વધુ રહેતો હોવાથી મધ્યરાત્રીએ ખોદકામ કરી પાઇપ ફીટ કરવા કામગીરી ચાલી રહી હતી. સ્થળ પર પાઈપ અને સિમેન્ટની થેલીઓ પણ હતી. પરંતુ વિભાગ દ્વારા જેસીબી સીઝ કરાયું હતું. ન્યાય નહીં મળે તો હાઇકોર્ટ સુધી જવાની તૈયારી છે.ખાણ ખનીજ વિભાગના નારણભાઈ જોશીએ જણાવ્યું કે બુધવારે સ્થળ નિરીક્ષણ કરાયું હતું.