રાજકોટ-

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કોરોના બેડ, ઓક્સિજનની તીવ્ર અછત, ઈન્જેક્શનની લાઈનો ઠેર ઠેર જાેવા મળી રહ્યું છે. પરંતુ વિદેશોમાં વસતા શૂરા વિદેશીઓના દેશપ્રેમ હાલના તબક્કે જાેવા મળી રહ્યો છે. ભારતને અન્ય દેશોએ તો મદદ કરી જ છે, પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોનો પણ પોતાના વતન પ્રેમ જાેવા મળી રહ્યો છે. હાલ આવા વિદેશીઓની સહાયથી ગામડા ગામડે કોવિડ સેન્ટરો ઉભા થયા છે. ઓક્સિજનના મશીનો વિદેશોમાંથી મોકલવામાં આવ્યા છે.

અમેરિકામાં વસતા પાટીદારોએ ગુજરાતમાં પોતાના વતનની મદદે ચઢ્યા હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો કોરોનામાં ગુજરાતીઓને મનમૂકીને દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકાએ ગુજરાતના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના મશીનો મોકલવાનું નક્કી કર્યું છે. માત્ર ૪ જ દિવસમાં ૫ કરોડ (૬,૮૦,૦૦૦ ડોલર)નું દાન ભેગું કરી નાંખ્યું હતું, અને ૧૦૦થી વધુ ઓક્સિજન મશીન અને અન્ય મેડિકલ સાધન સામગ્રી ખરીદી લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકા છેલ્લા ૪૦ વર્ષોથી અનેક પ્રકારની સેવાભાવિ, પરોપકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેમાં ૨૮૦૦ આજીવન અને ૧૫,૦૦૦ સભ્યો ધરાવતી સૌથી મોટી સંસ્થા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટેની વિકટ સ્થિતિને જાેતા આ સંસ્થા આગળ આવી છે. આગામી દિવસોમાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત આવી પહોંચશે.પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એટલે કે પોર્ટેબલ ઓક્સિજન મશીનો એર કાર્ગો, એર ઇન્ડિયા, યુપીએસ અને બાલાજી વેફર્સના સહયોગથી ટુંક સમયમાં સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવનાર છે.