સાવલી-

સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલી NBC એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં 6 કામદારોને છૂટા કરતાં અને પરત કામ ન લેતાં તેમ જ સવારે પહેલી શિફ્ટમાં આવેલ કામદારોને કામે ન ચઢવા દેતાં આશરે 300 જેટલા કામદારો કંપનીના ગેટ પર બેસી વિરોધ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે સાવલી પોલીસ અને લેબર કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.

સાવલી મંજૂસર જીઆઈડીસીમાં આવેલી NBC એન્જીનિયરીંગ લિમિટેડ કંપનીમાં 6 કામદારોને છૂટા કર્યા બાદ પરત નહીં લેવાતાં કામદારો કંપની બહાર ગત શુક્રવારથી ધરણાં પર બેઠાં છે. ઘરણા કરી રહેલા કામદાર લીડર સહિત 10 કામદારોની સાવલી પોલીસે મોડીરાત્રે અટકાયત કરી હતી. જેને લઈ કામદારોમાં કંપની સત્તાધીશો વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે.ધરણા પર બેઠેલા કામદારો અને કંપની સત્તાવાળાઓ વચ્ચે થયેલી મડાગાંઠમાં કામદાર તરફે કોઈ નિર્ણય નહીં લેવાતાં આંદોલન યથાવત રાખતાં સાવલી પોલીસે કામદાર લીડર તેમ જ કામદાર સંઘના એડવોકેટ સહિત 10 જેટલાં કામદારોની ધરપકડ કરી હતી. જેને લઈ કામદારોમાં કંપની મેનેજમેન્ટ સામે ભારે આક્રોશ ફેલાયો છે. જોકે, કામદારોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે હોવાની માહિતી સાંપડી છે.