વડોદરા, તા.૬ 

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોરોનાની મહામારીના કપરાકાળમાં શસ્ત્રક્રિયાની જરૂરિયાતવાળા ૬૫ હજાર જેટલા દર્દીઓની નાની મોટી સર્જરીઓ કરી ગરીબ અને મધ્યમવર્ગ સહિત અન્ય વર્ગના દર્દીઓને કફોડી હાલતમાંથી તેઓને ઉગારવામાં આવ્યા હતા. કોરોનાની મહામારીના સમયે મોટાભાગની ખાનગી હોસ્પિટલોએ નાની મોટી સર્જરી કરવા બંધ કરી દીધી હતી. ત્યારે સયાજી હોસ્પિટલ એકમાત્ર દર્દીઓ માટે સંકટ સમયે સલામત સર્જરીનો આધાર બની રહી હતી. સયાજી હોસ્પિટલમાં ૩૬૦ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓની પણ શસ્ત્રક્રિયા કરી જીવનદાન આપવામાં આવ્યું હતું. અલબત્ત, કપરા સમયમાં સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગો સર્જરીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી. શહેરની સયાજી હોસ્પિટલની કોવિડ સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો. બેલિમે જણાવ્યું હતું કે, વિવિધ કારણોસર ખાનગી અને અન્ય હોસ્પિટલોમાં તાકીદની સર્જરી પણ ભાગ્યે જ કરવામાં આવતી હતી, પરંતુ સયાજી હોસ્પિટલમાં કોરોનાનો પ્રોટોકોલ અને તેની ગાઈડલાઈનને અનુસરીને ચેપ ન લાગે તેની જરૂરી તકેદારીઓ રાખીને લગભગ ૩૬૦થી વધુ કોવિડ પોઝિટિવ દર્દીઓની પણ સર્જરી કરવામાં આવી હતી. આ સમયગાળામાં ૧૫૦થી વધુ કોવિડ પોઝિટિવ સગર્ભાઓની સલામત પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિષયક જરૂરી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તમામ વિભાગોમાં જનરલ સર્જરી, ઓર્થોપેડિક પીડિયાટ્રીક અને ન્યૂરો સહિતની સર્જરી ચાલુ રાખી હતી. એકદંરે જાેવા જઈએ તો કોરોનાકાળ અને મહામારીના સમય દરમિયાન નાની મોટી અંદાજે ૬૫ હજાર જેટલી સર્જરી અને જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હતી અને ગરીબ અને મધ્યમવર્ગ અને ખર્ચ કરી શકે તેવા સક્ષમ દર્દીઓની જરૂરી સર્જરી કરી લાખો રૂપિયા બચાવીને જીવનદાન આપી સયાજી હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.