સયાજી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા અને ગોરવા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા કોરોના વોરિયર્સ દયારામ વસાવા (ઉં.વ.૪૪) દર્દીઓની સારવાર દરમિયાન કોરોના સંક્રમિત બન્યા હતા. તેમની તબિયત લથડતાં સયાજી હોસ્પિટલમાં કોરોના રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં કોરોનાના લક્ષણો જણાઈ આવ્યા હતા, જેથી તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, દરમિયાન તેમનું આજે મોત નીપજ્યું હતું. કોરોના પ્રોટોકોલ મુજબ આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેના રિપોર્ટની રાહ જાેવાઈ રહી હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યંુ હતું. 

સિટી સર્વે નં.૩ની કચેરી આજથી ત્રણ દિવસ બંધ

શહેરના સમા સ્થિત મામલતદાર ઉત્તરની કચેરીમાં આવેલ સિટી સર્વે અધિક્ષક નં.૩ની કચેરીના કર્મચારી કોરોના સંક્રમિત બનતાં કચેરીને સેનિટાઈઝેશન કરવાની કામગીરી હાથ ધરાનાર છે. જેથી આવતીકાલે તા.ર૩ થી તા.રપ બુધવાર સુધી કચેરીની કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અરજદારોને નોંધ લેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય, કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ સંક્રમિત થતાં કચેરીઓને કેટલાક દિવસ બંધ કરવાની ફરજ પડી હતી.

દલસુખ પ્રજાપતિ-નલીન પટેલ કોરોના સંક્રમિત

શહેરમાં કોરોનાનું આક્રમણ પુનઃ શરૂ થયું છે તેવી સ્થિતિમાં ભાજપાના અગ્રણી અને માટીકામ બોર્ડના અધ્યક્ષ દલસુખ પ્રજાપતિ કોરોના સંક્રમિત બન્યા છે. તેમને સારવાર માટે શહેરની કોવિડ-૧૯ ની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત વડોદરા વકીલમંડળના પૂર્વ પ્રમુખ નલીન પટેલ પણ કોરોના સંક્રમિત બનતાં તેઓ પણ શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.