વડોદરા : સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી તથા કામદાર અગ્રણી જીતેન્દ્ર સુખડીયા કોરોનાગ્રસ્ત બન્યા છે. હજુ ગઈકાલે જ તેઓના પત્ની અને પૌત્ર કોરોનાને મહાત આપીને રજા લીધી છે. ત્યારબાદ એકાએક જીતેન્દ્ર સુખડીયા અને તેમના પુત્ર હિરેન સુખડીયા કોરોનાગ્રસ્ત બનતા તેઓને ગોત્રીની જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે.  

આ અંગેની જાણ થતા તુર્તજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમજ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વાકેફ કર્યા હતા. ત્યારબાદ ગોત્રી હોસ્પિટલ ખાતે જીતેન્દ્ર સુખડિયાની અને પરિવારની સારવાર હાથ ધરવામાં આવે એ માટેના સૂચન કર્યા હતા. તેઓએ કોવિદ-૧૯ની વિશેષ ફરજ પર મુકાયેલા ઓએસડી ડો. વિનોદ રાવ અને ગોત્રી હોસ્પિટલના વહીવટી નોડલ અધિકારી ડો. શીતલ મિસ્ત્રીને રૂબરૂમાં તાત્કાલિક બોલાવીને એમને ઉચ્ચતમ સારવાર તત્કાળ મળી રહે એવી વ્યવસ્થાઓ ગોઠવી હતી. જીતુ સુખડિયાને ન્યુમોનિયા હોવાથી તેમજ ૪૫થી૫૦ ટકા સુધી ફેફસામાં પ્રસરી ગયું હોવાથી એનું નિદાન આઇસીયુ વોર્ડમાં શરુ કરી દેવાયું છે. હાલમાં તેઓને ઓક્સિજન પણ અપાઈ રહ્યો છે. જેથી શ્વાસોશ્વાસમાં તકલીફ પડે નહિ. તેઓમાં ઓક્સિજન ની ઉણપ વર્તાતા આઈસીયુ મા દાખલ કરવામા આવ્યા છે. હાલમાં જ તેમના પત્ની અને પૌત્ર કોરોનાને મહાત આપીને સાજા થયા છે. હાલમાં જીતુભાઈની હાલત સ્ટેબલ હોવાનું નોડલ અધિકારી ડો.શિતલ મિસ્ત્રીએ જણાવ્યું છે.