ન્યૂ દિલ્હી

ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની ત્રણ કંપનીઓમાં શેરહોલ્ડિંગ વેચીને કિંગફિશર એરલાઇન્સને અપાયેલી ૬,૨૦૦ કરોડ રૂપિયાની લોન વસૂલ કરશે. માલ્યાના શેર યુનાઇટેડ બ્રુઅરીઝ લિ., યુનાઈટેડ સ્પિરિટ્‌સ લિમિટેડ અને મેકડોવેલ હોલ્ડિંગ્સ લિમિટેડમાં ૨૩ જૂને જથ્થાબંધ સોદા દ્વારા વેચવામાં આવશે.

માલ્યાની કિંગફિશર એરલાઇન્સ ઓક્ટોબર ૨૦૧૨ થી બંધ છે. માલ્યાને લોન પર ડિફોલ્ટ કરવા અને બેંકોની છેતરપિંડી કરવા બદલ જાન્યુઆરી ૨૦૧૯ માં ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયો હતો. તે યુકેની અદાલતોમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ લડી રહ્યો છે.

જો માલ્યાના શેર વેચાય છે તો તે કિંગફિશર વિજય માલ્યા કેસમાં બેન્કોની પહેલી મોટી રિકવરી હશે. કિંગફિશરને અપાયેલી લોન ૨૦૧૨ ના અંતમાં બિન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) બની હતી. માલ્યાએ માર્ચ ૨૦૧૬ માં દેશ છોડ્યો હતો. તેના પર ૧૭ બેંકોની છેતરપિંડીનો આરોપ છે.

માહિતી અનુસાર શેરનું વેચાણ બેંગ્લોરના ડેબટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી) ની દેખરેખ હેઠળ થશે. જેણે પુન પ્રાપ્તિ અધિકારીને ૬,૨૦૩ કરોડ રૂપિયાની લોન વસૂલ કરવા માટે શેર વેચવાનો અધિકાર આપ્યો છે. જો બ્લોક ડીલ હેઠળ શેરનું વેચાણ શક્ય ન થાય તો બેન્ક શેરોનું વેચાણ બ્લોક અથવા છૂટક માધ્યમથી કરી શકે છે.

એસબીઆઈ સિવાય કિંગફિશરને લોન આપતી બેંકોમાં પંજાબ નેશનલ બેંક, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, ફેડરલ બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે.