અમદાવાદ-

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફરી એક વખત ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને જણાવ્યું છે કે રાજકોટની ઘટનામાં હકીકત દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આમ થવું જોઈએ નહીં. સરકારના જવાબ સાથે કોર્ટ સહમત થતી નથી કારણકે ચીફ એન્જિનિયરનો અને સરકારનો રિપોર્ટ અલગ આવી રહ્યા છે. આ માટે સરકારે ફટકાર લગાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું છે કે આ મામલાને યોગ્ય રીતે જુએ અને તેનો રિપોર્ટ ફરીથી રજૂ કરે. આજની સુનાવણીમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, અને આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.સુપ્રીમ કોર્ટે રાજ્યોને આડે હાથે લેતા જણાવ્યું હતું કે આવી ઘટનાઓ સતત થઇ રહી છે.તેમ છતાં સરકાર દ્વારા શા માટે પગલાં લેવામાં આવી રહ્યા નથી.જે અન્વયે આજે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ હવે વધુ સુનાવણી ગુરુવારે હાથ ધરાશે.

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમા આગકાંડની ઘટના બાદ ફરીથી સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ અને સરકારને વેધક પ્રશ્નો પૂછ્યા છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની હોસ્પિટલોમાં તમામ બાબતો સલામત દર્શાવવામાં આવી છે તો શું તમારો રિપોર્ટ ચીફ એન્જિનિયર કરતા અલગ છે ? હાઇકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા હકીકત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ સમિતિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપી દેવામાં આવ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પ્રશ્ન પૂછ્યો છે કે આ તો રાજકોટની વાત થઇ છે અમદાવાદની હોસ્પિટલમાં જે લોકોના મૃત્યુ થયા હતા તેના માટે કોણ જવાબદાર છે? આ માટે આગામી સુનાવણી ગુરુવારે હાથ ધરવામાં આવશે.