દિલ્હી-

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની નોકરીની જગ્યાઓ માટે એસસી, એસટી, ઓબીસી પણ અરજી કરી શકે છે. કેમ કે જનરલ કેટેગરીની નોકરીની જગ્યા દરેક માટે ઓપન માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ યુ યુ લલિત, રવિન્દ્ર ભટ અને રિશિકેશ રોયે જણાવ્યું હતું કે જનરલ કે ઓપન કેટેગરી દરેક માટે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઓપન કેટેગરીમાં અનામતનો લાભ લેનારાઓને પણ અરજી કરવાનો અધિકાર છે કેમ કે ઓપન કેટેગરીમાં માત્ર મેરિટ જ આધાર હોય છે. સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કહ્યું છે કે કોટા પોલિસીનો મતલબ યોગ્યતાને નકારવાનો નથી. કોટા પોલિસીનો મતલબ કુશળ લોકોને નોકરીથી દુર રાખવાનો નથી. ભલે પછી તેઓ અનામત કેટેગરીમાં જ કેમ ન આવતા હોય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે બેઠકોને ભરવા માટે યોગ્યતાને ધ્યાન પર લેવી જાેઇએ અને કુશળ વિદ્યાર્થીઓને તેમાં પ્રાથમિક્તા મળવી જાેઇએ. પછી આવા વ્યક્તિની જાતી કોઇ પણ કેમ ન હોય. સુપ્રીમે આ અવલોકન ઓપન કેટેગરીને લઇને કર્યું છે અને કહ્યું છે કે ઓપન કેટેગરીમાં મેરિટ જ એક માત્ર આધાર હોય છે અને તેથી તેમાં જનરલ, ઓબીસી, એસસી, એસટી કોઇ પણ કેટેગરીની વ્યક્તિ આવી શકે છે.

સાથે કોર્ટે એમ પણ કહ્યું કે અનામત જાહેર સેવાઓમાં પ્રતિનિધિત્વ નિશ્ચિત કરવા માટે છે. તેને કઠોર ન બનાવી શકાય. આવુ કરવાથી સમાજનો દરેક વર્ગ અનામતના દાયરામાં આવીને રહી જશે અને મેરિટની ઉપેક્ષા થશે.