વડોદરા : શહેરમાં ઘરે ઘરે વોટર મીટર લગાવવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી એ યોજના પડતી મુકાઈ હતી. શહેરીજનોના પરસેવાના રૂપિયાથી ભરાતા વેરાની રકમનો બીજાે વેડફાટ કરવા માટે સ્કાડા સિસ્ટમ અમલમાં લેવાશે એવી જાહેરાત મ્યુનિ. કમિશનરે કરી છે. એ એટલી સફળ થાય છે એ જાેવાનું રહેશે. પીવાના પાણીના મુદ્દે ખુદ શાસકપક્ષના કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે થતા વિવાદો ટાળવા માટે આ સ્કાડા સિસ્ટમનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે અને વીએમસી વોટરવર્કસ સોશિયલ નામની એપ શરૂ કરાશે.

પાલિકામાં રપ વર્ષથી શાસન કરતા ભાજપાના નેતાઓની દુરંદેશીનો અભાવ કહો કે ગુનહિત બેદરકારીને કારણે શહેરીજનો પીવાના પાણી વિના ટળવળે છે. શહેરના વિસ્તારોનો વિકાસ વધવાની સાથે સાથે પીવાના પાણીના બીજા સ્ત્રોત ઊભા કરવાને બદલે માત્ર ભ્રષ્ટાચારમાં જ રચ્યાપચ્યા રહેતા હોવાથી ખુદ શાસકપક્ષના કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચેના વિવાદને ટાળવા માટે રૂા.૩૫૦ કરોડના ખર્ચે સ્કાડા મીટર સિસ્ટમ નાખવામાં આવશે જેનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે. કોર્પોરેશને કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે સંકલન રહે અને પીવાના પાણીની પરિસ્થિતિની જાણકારી ૪થી ૬ કલાક અગાઉ મળી શકે તે માટે વીએમસી વોટર વર્કસ સોશિયલ નામની એપ શરૂ કરવામાં આવનાર છે. જેથી પીવાના પાણી મુદ્દે કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે થતા વિવાદો પર બ્રેક લાગશે. કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ગઈકાલે કમિશનર સ્વરૂપ પી.એ વીએમસી વોટર વર્કસ સોશિયલ નામની એપ શરૂ કરવા અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી આપી હતી. સ્થાયી સમિતિમાં મ્યુનિસિપલ કમિશનરે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (સ્કાડા) સિસ્ટમનો પ્રથમ ફેઝ પૂર્ણ થઇ ગયો છે. જેમાં ૭૬ ફ્લોમીટર પાણીની ટાંકી પર તેમજ પાણીની પ્રેશર લાઇન પર લગાવવામાં આવ્યા છે, જેને કારણે પીવાના પાણીમાં ટાંકીમાં રહેલું પાણીનું લેવલ અને પ્રેશર લાઈનમાં પાણીનું કેટલું પ્રેશર છે તેની જાણકારી મળી રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, પીવાના પાણી અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના વિસ્તારની પાણીની ટાંકીમાં કેટલા ફૂટ પાણીનો જથ્થો જે તેની જાણકારી મળી રહે અને તે જાણકારી તેઓ પ્રજાને પહોંચાડી શકશે. પીવાના પાણીના મુદ્દે અધિકારીઓ અને કોર્પોરેટર વચ્ચે સંકલન રહે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા વીએમસી વોટર વર્ક્‌સ સોશિયલ નામની એપ તૈયાર કરવામાં આવી છે. સ્કાડા સિસ્ટમનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે. જેને કારણે પાણીમાં છતાં લોસ અને લિકેજ મેન્ટેનન્સ વર્ક તેમજ વીજ પાવર ફેલિયોર થયો હોય તેને કારણે પાણી પહોંચાડવામાં વિલંબ થાય તેની પણ જાણકારી કોર્પોરેટરને મળી રહેશે. પીવાના પાણીના મુદ્દે કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચેની કમ્યુનિકેશન ગેપ પણ આ એપ દ્વારા દૂર થશે તેવી આશા મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કરી હતી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જુદા જુદા નામે પાલિકાએ ડિજિટલ મીટરોની યોજનાઓ કરોડોના ખર્ચે શરૂ કરી હતી પરંતુ આ યોજના પડતી મુકાઈ છે. બીજી તરફ આ મીટરો ભલે લાંબા ચાલે અને સિસ્ટમ ફૂલપ્રૂફ બની રહે પરંતુ પાઈપલાઈનોમાં પાણીનો જથ્થો જ નહીં હોય ત્યારે શું થશે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.