વડોદરા : આજે સવારથી વડોદરા શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે બે વખત છૂટોછવાયો હળવો વરસાદ થયો હતો. છેલ્લા થોડા દિવસોના વિરામ બાદ આજે વરસાદ પડતા ઠંડક થવાથી લોકોએ રાહત અનુભવી હતી. અધિક માસમાં ક્યારેક ઉકળાટ તો ક્યારેક વરસાદી ઝાપટાં થઈ રહ્યાં છે. આજે સવારથી વડોદરા ઉપરાંત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે મહત્તમ તાપમાન ૨.૪ ડિગ્રીના ઘટાડા સાથે ૩૨ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા જે સાંજે ૬૬ ટકા અને હવાનું દબાણ ૧૦૦૬.૯ મિલિબાર્સ તેમજ દક્ષિણ-પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૫ કિ.મી. નોંધાઈ હતી. દિવસ દરમ્યાન પડેલા છૂટાછવાયા વરસાદથી ઠંડક થતાં ઉકળાટથી પરેશાન લોકોએ રાહત અનુભવી હતી.