અમદાવાદ-

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાયું છે. પરિણામે આગામી 23 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ આવશે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. ઉમરગામ, ગણદેવી, વલસાડ, સુરતમાં ઑવરઑલ વરસાદ સારો પડ્યો છે. જો કે સમગ્ર ગુજરાતને કવર કર્યું નથી. અમદાવાદમાં ગઈકાલ એટલે કે રવિવારથી વરસાદ અંધારેલો હતો, પણ ઝરમર સિવાય વરસાદ આવ્યો નથી. અમદાવાદમાં ભારે બફારા વચ્ચે લોકો દિવસો પસાર કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગની યાદી જણાવે છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. 23 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથેે માછીમારોએ દરિયો ખેડવા ન જવાની ચેતવણી આપવામાં આવી છે.