નવસારી-

નેશનલ હાઇવે નંબર 48 પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, સદનસિબે અહીં કોઈજાનહાની થઈ ન હતી. એક સાથે પાંચ કાર એક પછી એક પાછળ અથડાતા લોકો બે ઘડી માટે જોવા માટે ઊભા રહી ગયા હતા.

ફિલ્મોમાં જોવા મળતાં દ્રશ્યો નવસારી ખાતે નેશનલ હાઇવે પર જોવા મળ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂરપાટ આવી રહેલી અન્ય કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર અથડાઈ હતી. જોકે, સબનસિબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. બનાવ બાદ અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.