નડિયાદ : આરટીઇ એક્ટ-૨૦૦૯ની કલમ ૧૨.૧(સી) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે આરટીઇ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૧૦ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં આશરે ૧૫૫૦ જેટલાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓની અરજીઓ માન્ય થયેલી હોય અને આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી. માત્ર તેવાં જ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપી શકાય.

જે વિદ્યાર્થીઓ ઇ્‌ઈ હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માગતાં હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માગતાં હોય તેવાં વિદ્યાર્થીઓએ તા.૨૮ સુધી, સોમવારથી તા.૩૦ સપ્ટેમ્બર, બુધવાર સુધીમાં આરટીઇના વેબપોર્ટલ  http://rte.orpgujarat.com પર જઈ શાળાઓની પુનઃપસંદગીના મેનૂ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લૉગઈન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃ પસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રીસિવિંગ સેન્ટર પર જમા કરવવાની નથી, જેની ખાસ નોંધ લેશો. શાળાઓની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો ૦૨૬૮ ૨૫૫૭૪૫૨ હેલ્પલાઇન નંબર પર કચેરી કામકાજના સમય દરમિયાન સંપર્ક કરી શકાશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માગતાં હોય તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલી શાળાઓને માન્ય રાખી નિયમોનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.