વડોદરા : શહેરનું પોલીસતંત્ર તદ્દન ખાડે ગયું હોવાની ચર્ચા દરમિયાન નવનિયુક્ત પોલીસ કમિશનર સમશેરસિંગની બદલીના ભણકારા વાગી રહ્યા છે. લાંબા સમયથી પોલીસ ભવનમાં બધુ સમુસુતરું નહીં ચાલતું હોવાનું જગજાહેર છે. ત્યારે ગઈકાલે ખુદ સમશેરસિંગે પોલીસ કમિશનરનો ચાર્જ છોડી દેવાની વાત ઉચ્ચારી હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે અને એની પાછળના કારણો અંગે જુદા જુદા તર્કવિતર્કો વહેતા થયા છે.

પ્રામાણિક અને કડક છાપ ધરાવતા નવનિયુક્ત પોલીસ કમિશનરની નિમણૂક શહેરમાં થયા બાદ હજુ સુધી એકપણ ઉડીને આંખે વળગે એવો નિર્ણય નહીં લેવાતાં શહેરીજનોમાં નિરાશા વ્યાપી હતી. જ્યારે પોલીસબેડામાં પણ આ અંગે તરેહ-તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. ખુદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ડો. સમશેરસિંગની કાર્યપદ્ધતિથી કંટાળી ગયા છે ત્યારે માત્ર ચૂંટણી પૂરતી એમની વડોદરામાં નિમણૂક કરવામાં આવી હોય એવી છાપ ઊભી થઈ છે. શહેર પોલીસ પાસે ગંભીર પ્રકારના ગુનાઓ થયા હોય એવી અસંખ્યા અરજીઓ પેન્ડિંગ છે ત્યારે આ અંગે લાંબા સમયથી કોઈ નિર્ણય લેવાતો નથી એ પૈકી કેટલાકમાં ભીનું સંકેલી લેવાયું હોય એવી છાપ ઊભી થઈ છે, જેના કારણે અરજદારોમાં ભારે નિરાશા વ્યાપી છે. ખરેખર તો ડો. સમશેસિંગની નિમણૂક બાદ શહેરમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ થશે એવી સૌને આશા જાગી હતી, પરંતુ હજુ પણ શહેરમાં ઠેર ઠેર અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી જ હોવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનું લાગી રહ્યું છે.પોલીસ ભવનમાં કે અન્ય સ્થળો ઉપર બેસતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ હોવાથી અધિકારીઓ જેમ ફાવે તેમ વર્તન કરી રહ્યા છે. કારણ કે, ખુદ પોલીસ કમિશનર એમની ઓફિસમાં કોઈને મળતા જ નથી. એટલે કે અગાઉ થતો એવો જનતા દરબાર બંધ થઈ જતાં પોલીસ કમિશનરને શહેરની સાચી પરિસ્થિતિનો અંદાજ આવતો બંધ થઈ ગયો હોવાનું શહેરીજનોને લાગી રહ્યું છે. અરજીઓની તપાસ યોગ્ય રીતે નહીં થતી હોવા ઉપરાંત કોઈ મહત્ત્વનો નિર્ણય પોલીસ અધિકારીઓ આપમેળે લઈ શકતા નથી. શહેરના મોટાભાગના પોલીસ મથકોના પીઆઈ અને વિસ્તારના એસીપી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાની વાત જગજાહેર છે. ત્યારે ડીસીપી કક્ષાના અધિકારીઓમાં પણ મનમેળ નહીં હોવાથી પોલીસતંત્ર ખાડે ગયું હોવાનું માનવામાં આવે છે.

ચૂંટણી પૂરતી જ નિમણૂક હતી?!

વડોદરા. શિવરાત્રિમાં લાખોની જનમેદની એકઠી થવાનો વિવાદ હોય કે મીડિયા સાથે ગેરવર્તણૂક બાદ ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની દરમિયાનગીરી હોય કે પછી સમશેરસિંગને પસંદ ના હોય એવો નિર્ણય ઉપરથી થોપાયો હોય. કારણ જે હોય તે, પરંતુ શુક્રવારે ડો. સમશેરસિંગે એમની ચેમ્બરમાં ધૂઆપૂઆ થઈ ચાર્જ છોડીને જતા રહેવાની તૈયારી દર્શાવી દીધી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે શહેરમાં નિમણૂક બાદ એમની કાર્યપદ્ધતિને જાેતાં વહેલા મોડા એમની વિદાય નિશ્ચિત હોવાનું પોલીસબેડામાંથી જાણવા મળ્યું છે.