આણંદ : બરાબર એક મહિના પછી તા.૨૮ ફેબ્રુઆરીએ નિર્ધારિત નગરપાલિકાની ચૂંટણીમાં આણંદમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે! ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગે નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા પૂરજાેશમાં આદરી છે ત્યારે ચૂંટણીના મેદાનમાં ઊતરવા મુરતીયાઓએ રીતસર લાઇનો લગાવી દીધી છે! આણંદના કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે કોંગ્રેસમાંથી ૧૫૧ અને ભાજપમાંથી ૧૮૧ દાવેદારો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, ભાજપ દ્વારા બુધવારે સીપી કોલેજના ચંચળબા હોલમાં પ્રદેશ નિરીક્ષકો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, રમણભાઈ સોલંકી અને કમલેશભાઈ પટેલની આગેવાનીમાં સેન્સ લેવાંની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોડીરાત્રીના એક વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલી હતી. ભાજપમાં વોર્ડ નં.૨માંથી સૌથી વધુ ૨૧ જેટલાં દાવેદારો નોંધાયા છે. જાેકે, તેની સામે વોર્ડ નં.૫માં સૌથી ઓછા પાંચ દાવેદારો માંડ નોંધાયા છે. ભાજપ સમર્થિત મનાતાં વોર્ડ નં.૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩માં પણ ૧૪થી વધુ દાવેદારો નોંધાયા છે.

બીજી તરફ આણંદ કોંગ્રેસે ગત ૨૪મીએ આણંદ પાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકો જીતુભાઈ પટેલ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, અને આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારની ઉપસ્થિતિમાં કુલ ૧૫૧ જેટલાં દાવેદારોએ ટિકિટ માટે માગણી કરી હતી. દાવેદારોનો હિસાબ લગાવીયે તો આણંદ પાલિકાના વોર્ડ નંબર ૪માં કોંગ્રેસના સૌથી વધુ ૧૮ દાવેદારો નોંધાયાં છે, જ્યારે ભાજપ સમર્થિત વોર્ડ નંબર ૧૦માં માત્ર ૬ જ દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. કોંગ્રેસમાં વોર્ડ નં.૧માં ૧૫, વોર્ડ નં.૨માં ૧૨, વોર્ડ નં.૩માં ૧૦, વોર્ડ નં.૫માં ૧૩, વોર્ડ નં.૬માં ૧૨, વોર્ડ નં.૭માં ૯, વોર્ડ નં.૧૧માં ૧૨, વોર્ડ નં.૧૨માં ૧૦ અને વોર્ડ નં.૧૩માં ૧૩ દાવેદારોએ ટિકિટની માગણી કરી છે. આ દાવેદારોમાં ગત વખતે ચૂંટાયેલાં કાઉન્સિલરો પણ સામેલ છે.

હવે આ નામો અંગે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરીને પેનલ તૈયાર કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવશે. ત્યાંથી ઉમેદવારોના નામની જાહેરાત થશે તેવું પાર્ટી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જાેકે એક ચર્ચા એવી પણ છે કે, આ વખતે ટિકિટ માટે ભાજપ અને કોંગ્રેસમાં રાફડો ફાટ્યો હોવાથી ટિકિટ નહીં મળે તો બળવો કરીને પણ મોટાભાગના દાવેદારો દ્વારા અપક્ષ ઉમેદવારી કરવામાં આવશે. જાે એવું થશે તો આણંદ પાલિના જંગમાં ખરાખરીનો ખેલ જાેવાં મળશે.