ગાંધીનગર-

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ સી-પ્લેનને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. અને સરકાર ખોટા તાયફા અને ખર્ચા બંધ કરે તેવી સલાહ પણ અર્જુન મોઢવાડિયાએ આપી હતી. આ ઉપરાંત આજે વસ્ત્રી નિયંત્રણ કાયદાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલ નિવેદન અંગે પણ અર્જુન મોઢવાડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સી-પ્લેન અંગે સરકાર પર પ્રહાર કરતાં અર્જુન મોઢવાડિયાએ એક ટ્‌વીટ કરીને લખ્યું હતું કે, સી-પ્લેન ૮ મહિનામાં ૮ દિવસ પણ ના ચાલ્યુ! ૩ મહિનાથી સી-પ્લેનનો કોઈ અતો-પતો પણ નથી! કોરોનાના વિકટ સમયમાં માસ્કના દંડના નામે લોકો પાસેથી, લૂંટેલા કરોડો રૂપિયા સી-પ્લેનના તાયફા પાછળ ઉડાવી દેવાયા! આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, જે રીતે ચૂંટણીઓ આવે છે ત્યારે ભાજપ તાયફાઓ કરે છે. ૫૯ વર્ષ જૂનુ સી પ્લેન અપાયું છે. અને ૮ મહિનામાં ૮ દિવસ પણ સી પ્લેન ઉડ્યું નથી. ભાજપ ૧૦૦૦ રૂપિયા માસ્ક અને કાયદાઓના નામે પૈસા ઉઘરાવે છે. આ સાથે મોઢવાડિયાએ જણાવ્યું કે, સરકાર ખોટા તાયફાઓ બંધ કરે અને ખોટા ખર્ચ બંધ કરે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે, સી પ્લેન કંપની પાસેથી ડેમેજ વસુલ કરવું જાેઈએ.