અમદાવાદ-

પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સી પ્લેનની સુવિધાને કોઈની નજર લાગી હોય તેમ ફરીથી વધુ એકવાર 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સર્વિસિંગ માટે સી પ્લેનને માલદીવમાં મોકલવામાં આવનાર છે જેને લઈને આગામી 10 દિવસ સુધી સી પ્લેનની સુવિધા બંધ રહેવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે હજુ આ સેવાને પૂર્ણ રૂપે શરુ થયાને એક મહિનાઓ સમય પણ વીત્યો નથી અને એટલામાં જ આ પ્લેન સુવિધા મહિનાની અંદર જ બીજી વાર બંધ રાખવામાં આવી રહી છે, આ મહિનામાં જ આ પહેલા પણ એકવાર મેઇન્ટેનેન્સ માટે સેવા બંધ રખાઈ હતી, ત્યારે વધુ એક વાર 10 દિવસના લાંબા સમય માટે સેવા બંધ રાખવાથી પ્રવાસીઓને હવે વધુ ઇંતેજાર કરવો પડશે.

અમદાવાદથી કેવડિયા કોલોની વચ્ચેની આ સી-પ્લેન સેવાનું લોકાપર્ણ 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું અને 1 નવેમ્બરથી આ સી-પ્લેન સેવા યાત્રિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ સી-પ્લેનનું એક તરફી ભાડું 1500 અને બંને તરફી ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા પણ મેન્ટેનેન્સના પ્રશ્નોને લઈને સી-પ્લેન સેવા કેટલાક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે અસ્થાયી રૂપથી સેવા બંધ થવાના કારણે ફરી પાછી આ સેવા ક્યારે શરૂ થાય છે તે જોવાનું રહ્યું.