બારડોલી

બારડોલી નગરપાલિકા દ્વારા ગત વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૬૫ ટકા કોમર્શિયલ વેરાની વસૂલાત થઈ ગઈ છે. પરંતુ હજુ પણ ૩૫ ટકા વેરો વસૂલવાનો બાકી છે. ગાંધીનગરથી મંજૂર થતી ગ્રાન્ટ હવે પાલિકાના વેરા વસૂલાતની કામગીરીના આધારે મંજૂર થતી હોય છે. પાલિકાએ મિલકત વેરો વસૂલવા બાકીદારો સામે લાલ આંખ કરી છે. લાંબા સમયથી વેરો ભરવામાં આનાકાની કરી રહેલા મિલકતધારકોની સામે કડક કાર્યવાહી કરવાની વહીવટદાર તેમજ ચીફ ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતાં જ વહીવટદાર તરીકે નિમાયેલા ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા દ્વારા વેરાની કડક વસૂલાત કરવાની શરૂઆત કરાઇ છે. તેમણે બાકી મિલકદારોને નોટિસ પાઠવી તેમની મિલકતને સીલ કરવાની સૂચના વેરા વિભાગના કર્મચારીઓને આપી છે. જેના આધારે વેરા વિભાગની ટીમ દ્વારા પાલિકાના અલગ-અલગ વિસ્તારમાં વેરો નહીં ભરેલી ૪૦ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. દુકાનો સીલ કરી દુકાન પર નોટિસ ચોંટાડી હતી.આગામી દસ દિવસમાં દંડ સહિત વેરો ભરી જવા તાકીદ કરાઇ હતી. જાે દંડ સહિત વેરાની રકમ નહીં ભરે તો આગામી દિવસોમાં મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવાની પાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયાએ જણાવ્યુ હતું કે, પાલિકામાં બાકી વેરા સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. જે લોકો વેરો નથી ભરતા તેમની સામે મિલકત સીલ કરવાની કાર્યવાહી કરાઇ રહી છે.